લેબલ Romantic poem સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Romantic poem સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 8 નવેમ્બર, 2011

તારો બોલ-૨


પાણી ગયુ તાણી બોલ,
કાલે કર્યો તેં જુઠ્ઠો કોલ,
તમરુ લવી કાંઇ સાજ,
હાંસી કરે મારી આજ,

આજે એકલી છે છાંય,
જગમાં અન્ય ના દેખાય,
બીજે કર્યો ત્યારે વાસ,
ને મેં ત્યજી તારી આશ,

સુકુ થઈ ચુક્યુ ઘાસ,
મોતી નથી એકે પાસ,
પંખી ફર્યુ છે આકાશ,
રે! હું પડ્યો છું ઉદાસ,



મેં તો કરી હતી પહેલ,
આશાએ ચણવા મહેલ,
પંખીના કુણા દિલમાં ફાંસ ,
સાચા પ્રેમનો છે વાસ,


જુનુ પુષ્પ, જુઠ્ઠી વાસ,
જુઠ્ઠો પ્રેમનો આ વિશ્વાસ,
સાચો એક આ નિશ્વાસ,
જે છે હજી મારી પાસ,

હજુ સમરુ છું દિનરાત,
મુકુ જ્યારે છુપો નિઃશ્વાસ,
પંખી રખે ને દુભાય,
માળો મુકી ઉડી જાય,

ઉડીને રખે જુદા થાય,
પછી એકલું એ દુભાય,
તેનો ફરે નહી કોલ,
મીઠો કરે સદા કલ્લોલ..
-ભીખુભાઇ સાબલપરા

ગુરુવાર, 3 નવેમ્બર, 2011

તમે અમે



મહેલ કાંગરા તમે,
સહેજ પાંગળા અમે,

ઉઠેલ ઓરતાં તમે,
નિગાહ ચોળતાં અમે,

પહોર રાત'વા તમે,
લહેર ઝાંઝવા અમે,

ગુલાબ શૃંખલા તમે,
કટાર મેખલા અમે,

તમે,તમે જ છો તમે,
વહેમ આપના અમે;...

-નરેશ સાબલપરા

લગા લગા લગા લગા

બુધવાર, 2 નવેમ્બર, 2011

કાના મા'તર વગરની યાદ...


કાના મા'તર વગરની યાદ...


નયન વહન,ન પળભર શયન, 
સ્મરણ જ,સતત ભડભડ દહન,

અડગ ન ડગ,બસ થરથર કર,
દ્ર્ઢ હ્રદય પણ ધકધક ધડકન,

અકળ વદન, ન શબ્દ વગ,
પ્રશ્ન જ, શબ્દ બકબક સહન,

ગરમ અશક, અધર અડચણ,
મન જ,અવ્યય ચડભડ જલન,

અત્તર સમ મદન સભર મન,
સમય જ,સ્મરણ ટકટક ચલન...

-નરેશ સાબલપરા

સોમવાર, 31 ઑક્ટોબર, 2011

તું


તું...

દિલે અહીં ધમાલ છે,
તુ લાગતી કમાલ છે,

ભુલે ન રાગ ભૈરવી,
સદાય એ જ તાલ છે,

ઉઠાવ ના કટાર ચખ,
ન હામ કે ન ઢાલ છે,

તણાયુ આ જગત સકળ,
વહેણ જેમ ચાલ છે,

ફુલો સુવાસ ફોરતાં,
તુ પણ?બધે સવાલ છે...

-નરેશ સાબલપરા

લગા લગા લગા લગા

શનિવાર, 29 ઑક્ટોબર, 2011

નજર જો રહેમ હોય શકે...



આંખ પણ લાલઘૂમ હોય શકે,
આ નજર જો રહેમ હોય શકે,

ઊંઘ તો પાંપણે સુતી હળવે,
આંખને એ વહેમ હોય શકે,

નયનને પરખ રંગરંગ સહજ,
અંધ જેવો દમામ હોય શકે,

શરમની લાગણી જ છો છલકે,
હૈયુ તો બે-લગામ હોય શકે,

એ મળે ના ભલે,સદાય હસે,
આંસુની એ જ નેમ હોય શકે..

-નરેશ સાબલપરા

ગાલગા ગાલગાલ ગાલલગા

શુક્રવાર, 28 ઑક્ટોબર, 2011

તારો બોલ-૧



સુતુ નીલવરણુ ઘાસ,
ઝાકળમોતીડા ચોપાસ,
ગણતી બીંદુડા તું જાય,
ને મુજ મો ભણી મલકાય;

તે 'દી પ્રેમનો એ કોલ,
દીધો તેં મને અણમોલ,
સુણતું પંખીડું તે એક,
તરુમાં પાસ બેઠું છેક,

તારું સાંભળી એ હાસ્ય,
ચમકી ઉઠ્યું તે આકાશ;
ને આ ઝરણું ચાલ્યુ જાય,
તેમાં જો આપણી છે છાંય,

તે તું જોઇ બોલી આમ,
વ્હાલ! મારો તું જ રામ,
મારૂં વ્હાલું તું જ નામ,
મારો તું જ છે આરામ,

છબી તારી નીરમાં દેખાય,
લ્હેરે લ્હેરે લેતી જાય,
મારી બાથમાં તું ગુંથાય,
ત્યાં એ પ્રેમ ઉભો થાય,

કિન્તુ મુજ ઉરે આલેખ,
તારો છે વધુ સુરેખ,
ત્યાં તુ નેણ ઊંડા નાંખ,
ત્યાં તું રૂપ તારૂં ઝાંખ,

પલટી યુગો બહુ જાય,
ત્યાં પણ તે ન ભુંસાય,
મારો તું જ! મારો તું જ!
તારી જન્મે જન્મે હું જ!

તે તો કાલની હજી વાત,
ત્યાં તે કરી કેવી ઘાત!
જખ્મો કેમ આ રૂઝાય,
જ્વાળા કેમ આ બૂઝાય....

-ભીખુભાઇ સાબલપરા 'બીરજુ'

મંગળવાર, 18 ઑક્ટોબર, 2011

તમારી અદાને...





નમે છે જમાનો તમારી અદાને,
ચડે છે ખુમારી તમારી અદાને,

ચડે હાંફ, દોડે નક્કી આંબવાને,
ઠગાયો છકાવી તમારી અદાને,

કળા હોય છે આ અદાની અનેરી,
છળો છો તમે તો તમારી અદાને,

મળે તોય શું કામની?હૈયુ બાળે,
જિગર કેમ ઠારે તમારી અદાને,

મનાવે ઇચ્છાને, જરા થોભ ઢુંવે,
અહીં કે પછી ત્યાં? તમારી અદાને

સ્વભાવે ઉધ્ધત છે જમાનો સદા ને,
સલામો બજાવે તમારી અદાને,

તમે ઝાંઝવા ને હરણ જમાનો,
કહો પામશે કેમ તમારી અદાને...
-નરેશ સાબલપરા



(ફોટો કર્ટસી બાય "ગુરુદાસ પન્નુ")


સોમવાર, 17 ઑક્ટોબર, 2011

રમણી નાર...



એક વાર બોલાવી જો પ્રેમે, જો કેવી થડકે, ભડકે પછી અડકે રમણી નાર;
માંગી જો સાથ જીંદગીભર, જો કેવી રમે, ભમે પછી વિરમે રમણી નાર;

એની ના માં હા હોય, હા એ ના,ખુદ અટવાયેલી ગુંચવશે તુજને અપાર,
ના અમસ્તા કરતો નકાર,જો કેવી ટળવળે,ચળવળે પછી ખળભળે રમણી નાર;

લચીલા રૂપ પર તું ઢળ્યો ખરો,એરણ પર તપ્યો છે કદી?થડકાર ખમવા તૈયાર?
કાચનું રમકડું હૈયુ, રણકાવ સામે,જો કેવી વખોડે, તોડે પછી જોડે રમણી નાર;

ડરપોક હોય છે લાગણી, કઠોર હોય વર્તમાન, ભવિષ્ય કોણે ભાખ્યુ છે હજી?
બહાદુરીથી બોલ,કરવા રાજી,જો કેવી રીઝવે, પજવે પછી દજવે રમણી નાર;


રૂપ રીઝવવું ક્યાં સહેલું છે, દંભે દડીશ, બંધ બારણે માથું ફોડીશ નાહક,
દેખાડ ખુલ્લા દિલની તમન્ના, જો કેવી ટાળે, ચાળે ને પછી ભાળે રમણી નાર;



સોમવાર, 10 ઑક્ટોબર, 2011

તું કેમ ઢોર થઈ ગયો?


પન્નો મારા પ્રેમનો ખાલી કોર થઈ ગયો,
ચંપો સીંચ્યો હતો જે તે થોર થઈ ગયો;

વચન આપ્યુ હતું મળીશ નિરાંતે સાંજે,
ખબર આ આવતા ટાઢો પો'ર થઈ ગયો;

એક ઝલક જોયા સનમને સોળ શણગારે,
આંખ બોલે હું શબ્દોનો ચોર થઈ ગયો;

સજનીની આભા સંકોરાઈ ગઈ મસ્તીમાં,
હું ખુલીને પથરાયો, ઘનઘોર થઈ ગયો;

પગરવ તેનો કરે વમળ દિલમાં મારા,
નકાર કર્યો તેણે, કેવો શોર થઈ ગયો;

'નરેશ'ને કહેતાં હતા બધા સંસ્કારી,
દલીલ કરતાં તું કેમ ઢોર થઈ ગયો?

-નરેશ સાબલપરા

મંગળવાર, 27 સપ્ટેમ્બર, 2011

શ્રાવણિયા સરવડા





શ્રાવણિયા વરસતાં સરવડામાં, તમે નીકળ્યા ને હું જોતો હતો;
ભીંજાયેલા પાલવ ને કેશ તણા આશાઓના બિંદુ હું પીતો હતો;

પાણીના ખાબોચિયામાં તમારો ચહેરો ચાંદનીએ રેલાતો હતો;
શું હતી મસ્તી તમારી! અદા! તમે બેફિકરને હું જોતો હતો;

બની વાદળીઓ ખુબ ઘેલી, વીજળીનો લીસોટો લખાતો હતો
થતું હતું, મળીને પૂછું કેમ છો? હૈયાની હા છતાં હું બીતો હતો;

શું તારે જરૂર ચમકવાની વીજળી, એક સવાલ ગૂંજતો હતો,
કે જ્યારે તમારા તેજ નો લીસોટો થતો ને હું બૂઝાતો હતો...

-ભીખુભાઇ સાબલપરા 'બિરજુ'


મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011

પ્રેમનું બીજગણિત


પ્રેમ ચલ કે અચલ? ચલો ગણીએ પ્રેમનું બીજગણિત,
લપસણી આ પગદંડી છે, થયા ઘણા આમાં ભ્રમિત,
પૂછો તો ભ્રમરને રૂપ લલચાવે કે ખુશ્બો બહેકાવે છે?
કેમ તું ફરે આમ ડાળી-ડાળી થઈ ને ઘણો વિચલીત,
જોઇ ચંદાને રોજ અલગ રૂપે ચકોર કેમ ચાહે છે?
હશે ચાંદમાં કંઇ કે નહી મળતો હોય બીજો મનમીત,
છે રાધાગોરી પાસ તોય કાનુડો કેમ રચે રાસ?
થાય છે એક પદ નો વિચ્છેદ અહીં પણ ખંડિત,
જાનકીને જાણે સર્વસ્વ, રામની તે કેવી લીલા?
ઘણા મથી રહ્યા છે ભેદ જાણવા પોથીપંડિત,
માંડો તમે જવાબ આનો,ત્રીપદી કે વિપતિ?
થયો છે નાપાસ 'નરેશ', અઘરું બીજગણિત..

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

સનમ



પેદા થયો છું ઢુંઢવા તુને સનમ,
ઉમર ગુજારી ઢુંઢતા તને સનમ,
યારી-ગુલામી શું કરુ તારી સનમ,
ગાલે ચુમુ કે પાનીએ તને સનમ!..

તું આવતા જિગર મારૂ ભરે,
જતાં શું શુ કરી રોકું સનમ?
તું ઇશક છે મહેરબાની કે રહમ સનમ,
હસતાં ઝરે મોતી લબેં સનમ...

મેંદી કદમની પૂરી જોઇ ના કદી,
આવી આવી, એમ શું થતી સનમ,
તારી ફૂલની સવારી છે સનમ,
બની ભમરો શોધું નિશાન સનમ...

તું માફ કર, દિલદાર દેવાદાર છું,
છે માફ દેવાદારને? મારા સનમ!
જાણે વીંટળાઇ જુલ્ફમાં છુપી રહું,
તાકત દિદારમાં રહેતી સનમ..

જોઇ તને આંજી આંખે ચોપાસ,
હવે ફોડી દઊ આંખને સનમ,
છે દિલ્લગીનો શોખ તને કે નહી?
તો આવ,કાં આવી બોલ સનમ?..

જિગરની ચાદર તને ખુંચે નક્કી,
કોને બિછાને તું સદા પોઢે સનમ?
આપું જિગર તોય દિલ તારુ રીઝે નહી,
વ્યથા 'બિરજુ'ની, તારી નહી સનમ..

-ભીખુભાઇ સાબલપરા 'બિરજુ'



સોમવાર, 5 સપ્ટેમ્બર, 2011

તારામાં હું....


તારામાં હું....

બને જો તું શમા તો આગિયો બનુ હું,
કરૂ સમર્પણ જાતને મારી, વીરમુ તારામાં હું;
બને જો તુ સાકી તો શરાબ બનુ હું,
ભરુ જિગર તારુ, સમાઉ તારામાં હું;
બને જો તુ મૃગજળ તો હરણ બનુ હું,
દોડું પામવા તને, તરસ્યો તારામાં હું;
બને જો તુ ઝીલ તો ઝરણું બનુ હું,
ખેલતો કૂદતો ફરુ, નાદ તારામાં હું;
કરીશ એક અવાજ તો પડઘો બનુ હું,
પડઘાથી પડઘા ને શમાવુ તારામાં હું;
હજુ પણ હોંશ ઘણાં કે શું બનુ હું,
કદર ક્યાં છે તને, છતાં તારામાં હું...

-ભીખુભાઈ સાબલપરા 'બીરજુ'