"લિ. હું આવું છું" એવું કહીને એ સાચેય આવેલો
પુરેપુરો આવેલો, ખુબ ધરાઈને આવેલો
પણ હવે બધું જ સુનું છે...
કંકુવરણી પાંચાલ ભોમને એક નાનકડું બાળ સાંભરે
રાજકોટને એક છોકરડાનો એ અનહદ લગાવ સાંભરે
જૂનાગઢની બહાઉદ્દીનને એનો "રાજા જનક" સાંભરે
બંગાળી ભાષાને અદકા ગુજરાતીનો પ્રેમ સાંભરે
કલકત્તાની ક્રાઉન ફેક્ટરીને એના "પાઘડી બાબુ" સાંભરે
"Yes Kathiyavad, I love you " લખનારો અમને એક મેનેજર સાંભરે
સોરઠના ચોરાઓને હાકેમોના હોકા સાંભરે
કાઠીયાવાડના પાળિયાઓને એનો તારણહાર સાંભરે
માસાજી શિવલાલને પેલો ગોપીચંદનો ગરબો સાંભરે
સોમ, મંગળ, બુધ, ગુરુને "સૌરાષ્ટ્ર"ની એ કલમ સાંભરે
તો શુકર, શનિ, રવિને એનો એક ધૂની ભાઈબંદ સાંભરે
રાણપુરની ટ્રેનને એનો એક રખડું મુસાફર સાંભરે.
કે હવે બધું જ સુનું છે...
સોરઠના ચોરા પોકારે તું આવી જા
"મોતીની ઢગલીઓ" કરે તું આવી જા
કે ગિર સુનું પડ્યું છે,
સાવજ સુના પડ્યા છે,
સૌરાષ્ટ્રની રસધાર તો જાણે સુકાઈ ગઈ છે
લોકકથાઓ અભેરાઈ પર જાણે મુકાઈ ગઈ છે
એક ચારણ કન્યા હીર બતાવે આવી જા
આ ધરતીનું ધાવણ બોલાવે તું આવી જા
મુંબઈના સાક્ષરોના તને નિસાસા બોલાવે કે આવી જા
રાજસત્તાના દમનમાં જોને પ્રજા રિબાણી
નવા બહારવટિયાઓને પોરસ ચડે તું આવી જા
આ ખોળિયા સોંસરવો આત્મા કહે તું આવી જા
ચારણોનાં સુકાતાં કંઠ કહે તું આવી જા
ડિંગળી સાહિત્યનો જંગ કહે તું આવી જા
ભૂચર મોરીનો રક્તરંજિત રંગ કહે તું આવી જા
કલાપી નો કેકારાવ ગુંજે તું આવી જા
નાન્હાલાલની કવિતાઓ જો કકળાટ કરે તું આવી જા
ઢેલી મેરાણીનાં ગીતો બરડામાં ગુંજે
પોણી પોણી રાતુંના ઉજાગરાં આંજી આવી જા
ઓલી રઢિયાળી રાતુંને ઓઢી આવી જા
કે દુહા મરવા પડ્યા છે
ને ગીતો મરવા પડ્યા છે
કંઠસ્થ લોકસાહિત્ય જગતનાં લડવૈયા મરવા પડ્યા છે
પાળિયાઓનાં જીવ જાય તે પહેલા આવી જા
લગનગીતોનાં મરસિયા ગવાય તે પહેલા આવી જા
જો "સૌરાષ્ટ્ર, ફૂલછાબ, જન્મભુમિ" તને બોલાવે આવી જા,
ટાગોરની કવિતાઓ બોલાવે આવી જા
ગોળમેજીમાં જાવા હારૂં ગાંધી તૈયાર બેઠાં છે
એય રાષ્ટ્રીય શાયરને બોલાવે કે હવે આવી જા.!
બસ "લિ. હું આવું છું" એવું ફરી એકવાર કહી જા..
-બિરજુ.
બિરજુભાઇ ફિલ્મી જગત સાથે સંકળાયેલો જીવ પરંતુ સાહિત્યના ઊંડા રસિક ખરા. હજુ આજે જ મારી વર્ચ્યુલ મુલાકાત તેમની સાથે ગૂગલ પ્લસ પર થઈ. તેમની આ રચના દ્વારા જ સ્તો! પણ લાગ્યુ કે આ મુરબ્બીને હજી સુધી ક્યારેય ના મળ્યો તે મારા દુર્ભાગ્ય.
જે સાદ અત્યારે ગુજરાતી સાહિત્ય મેઘાણીજી માટે અત્યારે પાડી રહ્યું છે તે અહિંયા આબાદ ઝિલાયો છે. તેમની આ સુંદર રચના મેઘાણીજીના એક પત્રનું જ પ્રતિરૂપ છે, મેઘાણીજીને વાંચનારા મિત્રો થી આ વાત તો અજાણ ના જ હોય. બિરજુભાઇની રજામંદીથી આ રચના અહીં પ્રસ્તુત કરી છે. જેને માટે હું તેમનો ખુબ-ખુબ આભારી છું. તેમની પ્રોફાઈલ લિન્ક પણ આ સાથે અહીં છે, જેથી અન્ય રસિકમિત્રો પણ તેમને માણી શકે.
https://plus.google.com/111542494373441656987/about
જે સાદ અત્યારે ગુજરાતી સાહિત્ય મેઘાણીજી માટે અત્યારે પાડી રહ્યું છે તે અહિંયા આબાદ ઝિલાયો છે. તેમની આ સુંદર રચના મેઘાણીજીના એક પત્રનું જ પ્રતિરૂપ છે, મેઘાણીજીને વાંચનારા મિત્રો થી આ વાત તો અજાણ ના જ હોય. બિરજુભાઇની રજામંદીથી આ રચના અહીં પ્રસ્તુત કરી છે. જેને માટે હું તેમનો ખુબ-ખુબ આભારી છું. તેમની પ્રોફાઈલ લિન્ક પણ આ સાથે અહીં છે, જેથી અન્ય રસિકમિત્રો પણ તેમને માણી શકે.
https://plus.google.com/111542494373441656987/about
Thanks a lot for the article. Nice one.
જવાબ આપોકાઢી નાખોfatty liver treatment