બુધવાર, 13 જુલાઈ, 2011

હું આવ્યો છું બહારવટું શીખવવા..

હું આવ્યો છું બહારવટું શીખવવા..
       વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઇ કરે નહીં.

     એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો હતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી ડાયાભાઇ ફોજદારની -એવી ત્રણ લૂંટારું ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાયો બહારવટિયો પોતાને 'ડાયોભાઇ ફોજદાર' કહેરાવતો.
       એવી એક રાતનો ઘાટો અંધાર-પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરડકાથી નીકળીને એક બ્રાહ્મણ સરસવણી ગામે જતો હતો. પગપાળો, પગરખાં વિનાનો એક પોતડીભર અને એક ટોપીભર.ઉમર હશે ચાલીસેક. આમ તો એની વહાણુવાયાથી રાતે સૂવા - વેળા થતાં લગી મુસાફરી કરવાની રોજિંદી ટેવ હતી, એટલે રોજ માર્ગે મળતા ખેડૂત લોકની પાયલાગણી અને પ્રેમભીની વાણી પોતાને પરિચિત હતી. પણ સીમમાંથી ભરડકા ગામ ભણી પાછા વળતાં લોકોનું આ રાતનું વર્તન કંઇક વિચિત્ર હતું.કદી ન દીઠેલી તેવી કંઇક આકળવીકળતા ભરી ઉતાવળ આ રાતે મરદો-ઓરતો તમામના પગમાં આવી હતી. આડે દા'ડે તો મધ્યાહ્નના ધખતા ધોમ ટાણેય જો આ 'મહારાજ' સામા મળે, તો પોતા-માંહ્યલા એકાદ જણની પાઘડી ભોંય પર બિછાવીને તે પર એમને ઊભાડી એનાં ચરણોની રજ લેનારાં અને નિરાંતે વાતોના ટૌકા કરનારાં આ લોક આજ રાતે કંઇક વિશેષ ઉતાવળમાં કેમ હશે? 'પાછા વળોને !' એવું કહેવામાં પણ કેમ પોતના સ્વરને તેઓ ધીરો પાડી દેતા હશે? એમના એ બોલવામાં સચિંતપણાની સાથે પાછું કાંઇક દબાઈ જવા જેવું અને ગળું રૂંધાઇ જવા જેવું કેમ હશે? એવો પ્રશ્ન મુસાફરના મનમાં આછો આછો આવ્યો તો ખરોઃ પણ આવ્યા ભેળો તરત પસર થઇ ગયો'હોય; ખેડૂતો છે, ઘેર પહોંચવાની ઉતાવળ હશે. ને હું એક વાર ઊપડ્યો તે પાછો ન વળું, એ તો તેમને સર્વને જાણીતી  વાત છે.'
    પછી તો લોકો મળતાં બંધ પડ્યાં, સીમ છેક ઉજ્જડ બની ગઇ, અને આથમણી વહેતી ઊંડી વાત્રકનાં ચરાં તેમ બીજી તરફ ખેતરાં-એ બેઉની વચ્ચે ચાલી જતી રસ્તાની નાળ્ય(બેઉ બાજુ ટેકરીની વચ્ચેનો સાંકડો ઊંડો રસ્તો)વધુ ને વધુ ઊંડી થતી ગઇ. અંધારું એટલું ઘાટું બન્યું કે મુસાફરને પોતાનો હાથ પણ કળાતો બંધ પડ્યો. એકાએક એની છાતી ઉપર કશોક સ્પર્શ થયો, કોઇ જીવતા માણસના હાથ એને પાછા ધકેલતા જણાયા; અને તેણે પૂછ્યું ઃ "કોણ છો, લ્યા!"
"પાછા વરો!" સામો ફક્ત એટલો જ જવાબ આવ્યો. કાનમાં કહેતો હોય તેવો ધીરો અને ભયભર્યો અવાજ.
"કોણ પૂંજો?" મુસાફરે, પોતનો પ્રત્યેક પશુનો અવાજ પિછાનનાર માલધારીની રીતે, એ દબાઇ ગયેલ સ્વરને પકડી લીધો.
" હા, ચાલો પાછા." મુસફરની છાતીને પાછી ધકેલનારે પોતાના સ્વરને વિશેષ ધીરો પાડ્યો; પણ મુસાફરે તો પોતાના કાયમના એકધારા ઝીણા અવાજને વધુ હળવો પાડવાની જરૂર જોયા વિના પૂછ્યું ઃ " પણ શું છે, લ્યા?"
"આગર્ય નકામાં લોકો સે, મહારાજ !"( આગળ નકામાં લોકો - એટલે હરામખોરો છે.)
"કોણ બહારવટિયા?"
"હા, નામદારિયો."
"ફિકર નહીં, પૂંજા! હું એમની જ શોધમાં છું." બ્રાહ્મણના મોંમાં ટપ દેતો એ બોલ નીકળી પડ્યો. અહીંથી શરુ કરીને આ બ્રાહ્મણ મુસાફર, આ ધારાળા-ઠાકરડાના ગોર, પોતે જે કંઇ બોલતા ગયા તેમ જ વર્તન કરતા ગયા તેમાં પૂરેપુરો વિચાર હતો કે કેમ, પરિણામોની ગણતરી અને ભાન હતાં કે કેમ, તે તો એ મુસાફર જો તમને કોઇને આજે મળશે તો પણ કહી શક્શે નહીં.કદાચ એ એમ જ કહેશે કે આ ક્ષણથી એમણે કરેલ વર્તનનો કાબૂ એમના નહીં પણ કોઇક બીજાના હાથમાં હતો. એ બીજું કોણ? તો એનો સંતોષપ્રદ જવાબ એ આજે પણ આપી ષકશે નહીં.


(ઝવેરચંદ મેઘાણીની કલમથી એક મહાપુરુષનુ જીવન-ચરિત્ર આલેખાયુ છે. તેમાનુ એક આ પ્રકરણ છે. હજુ અધુરું છે. ફરી પાછા માણશુ આ મોજ સાથે નિરાંતે...)
Complete Article here: http://nareshsabalpara.blogspot.com/2011/10/blog-post_1954.html

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો