કાઠિયાવાડની એક સાંસ્કૃતિક ધરોહર...
"કાચી પાંત્રીસ માફક", "બનારસી કાચી દેશી ખાલી ચુનો" કે "શિવાજી ઝૂડી ને બાકસ" આ બધુ સાંભળવા મળે એટલે ખ્યાલ આવે કે તમે કાઠિયાવાડી 'ફેસબૂક' પર લોગ-ઇન થઈ ગયા છો. હા..ભાઈ આ કાઠિયાવાડી ફેસબૂક જ છે. અહીં વર્ચ્યુઆલીટીને નેવે મૂકીને રીયાલીટીની મોજ મળે છે. 'વૉલ'ને બદલે ચહેરા સ્ટેટસ ખુદ જણાવી દે છે, અને તેને લાઈકનું હિટ મળ્યુ કે નહી તે બૉડી લૅન્ગવેજમાં ખબર પડે. તમારા મિત્ર અને સબસ્ક્રાઈબર આપોઆપ સમયાંતરે બની જાય છે. તેઓ આપોઆપ 'જો ફાવતા વોહી હમે ચલતા' ના ધોરણે ગૃપમાં ઍડ થઈ જાય છે. કુટુંબની કે શેરીની, ગામની કે દેશ-વિદેશની , રાજકારણની કે ધર્મની, ક્રિકેટની કે કોલેજની કોઇપણ ઇવેન્ટની ખબર તમને અહીંયા મળી રહે અને પાસ કે આમંત્રણની વ્યવસ્થા પણ થઈ જાય. પર્સનલ મેસેજ તો એક બાજુ ખુણે મળીને આપી દેવાના. પતાં કે કૅરમ ની ગેમ્સ રમો કે મિત્રો સાથે પોતાની જ કોઇ એપ્સ બનાવો. લત લાગ્યા પછી દિવસમાં બે ચક્કર કાપવા ફરજિયાત. કહો જોઈએ , છે ને ઑરીજીનલ દેશી કાઠિયાવાડી ફેસબૂક!
મારા મત મુજબ પાન ના ગલ્લા એ જૂના ચોરાનું વટલાયેલુ રૂપ કહી શકાય. જૂના
જમાનામાં કસુંબાની અંજલિઓ અપાતી ચોરે અને આજે પાનના ગલ્લે માવા કે ફાકીના પાર્સલો ચવાય છે. ચારણોના મોઢે બહાદૂરી કે ઉદારતાના કિસ્સાઓ ગવાતા હતા અને આજે કોઇપણ ચર્ચાતા વર્તમાન મુદ્દા(કરંટ ટૉપીક)ને ટીવી સ્ટુડિયો કરતાં વધારે ખેલદિલીથી ચર્ચવા મળે છે. પહેલા ચોરો એ માહિતીપ્રદાન, ચર્ચાપ્રધાન અને નવરાધૂપનું મેદાન હતું જે જગ્યા આજે પાનના ગલ્લાએ લઈ લીધી છે. પાનના ગલ્લે તમને જોઈતી માહિતી મળી રહે છે અને બેકારની ચર્ચા પણ થઈ રહે છે. સાથે સાથે તમને આખા ગામના નવરાની ટોળી પણ અહીં જ મળી રહે છે. ચોરામાં થોડી ઠાવકાઈ અને આધ્યાત્મિકતા હતી જે પાનના ગલ્લા પર નથી મળતી એટલે જ એને હું વટલાયેલુ રૂપ કહું છું. જેવી રીતે ચોરો એ કાઠીયાવાડનું સાંસ્કૃતિક મહત્વ ધરાવતું પ્રતિક છે તે જ રીતે આ પાનના ગલ્લા વર્તમાન સમયમાં સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. અહીં સાંપ્રત સમયની સંસ્કૃતિ આજના ‘લવ’લોહિયાઓની રસિકતાથી ફાલી-ફૂલી રહી છે. તમને અધુરા ભણતરની નિશાનીઓ(ગાંધીજીના પરિપ્રેક્ષ્યમાં નહી જોતાં) ખૂબ મળી રહે છે. એટલે
જ ચર્ચાતી દરેક વાતમાં મો'ણ વધારે ને સ્વાદ લગરીક જ આવે છે. તેમ જ વ્યસનમુક્તિની દરેક
બાંગ અહીં પોકારનારના ગળે જ વિરમી જાય છે. તમાકુની તલબ પૂરતાં જ અહીં ટોળા મળે છે તે
થોડું અધૂરૂ કથન છે; અહીં વાતના વ્યસની પણ આવતા હોય છે તેમાં જ આ ધરોહરની થોડી ગરિમા
જળવાય છે.વાતના વ્યસનીઓમાં ઘણા ચર્ચાશૂરા તો ઘણા પંચાતશૂરા હંમેશા પોતાની ઘોડી સજાવીને તૈયાર હોય છે. જેવું કોઇ વાતનું માંગુ આવે કે તરત જ વરઘોડે મૂરતિયો તૈયાર. પછી વાતોમાં ચારણપુત્રની જગદંબા પણ દર્શન દે અને 'લવ'લોહિયાની 'લવલી' પણ હાજર જ હોય. આ ચર્ચાઓના ઘાણમાં તમને ગરમા-ગરમ મેથી ગોટા, બહાર ટાઢા અંદર ગરમ બટાટાવડાં અને તીખા-તમતમતાં પટ્ટીભજીયા બધી જાતની વેરાયટી મળી રહે.
પાન ના ગલ્લે મુખ્યત્વે 'બંધાણી' લોકો જ આવતા હોય છે. મિત્રના બંધાણી હોય છે તો કોઇ પારકી પંચાતના, રમતના બંધાણી હોય કે પછી ગમ્મતના બંધાણી; સૌના બંધાણની તલબ પુરૂ કરવાનું એકમાત્ર સ્થળ એટલે આ પાનના ગલ્લા. તરૂણ, યુવાન, આધેડ ને વૃદ્ધ સૌ જોવા મળે; કાયમ આવે, જેનું બંધાણ તે ચીજને ચગળે, થોડુ મમળાવે અને થૂંકીને સૌ પાછા પોતપોતાને ઠેકાણે. ગામ કે મહોલ્લા આખાની ઉપાધિ કરનારા નવરાઈદેવીના આરાધકો ને મન તો પાનના ગલ્લા તેમની ઈષ્ટદેવીનો મઠ અને તેઓ તેમના રાખડીબંધ ભુવા. લોકબોલીની 'જીભોટી'કે હથોટી માં મોટા-મોટા સાક્ષર તેમની આગળ દાણા જોવરાવે.
પાન ના ગલ્લે મુખ્યત્વે 'બંધાણી' લોકો જ આવતા હોય છે. મિત્રના બંધાણી હોય છે તો કોઇ પારકી પંચાતના, રમતના બંધાણી હોય કે પછી ગમ્મતના બંધાણી; સૌના બંધાણની તલબ પુરૂ કરવાનું એકમાત્ર સ્થળ એટલે આ પાનના ગલ્લા. તરૂણ, યુવાન, આધેડ ને વૃદ્ધ સૌ જોવા મળે; કાયમ આવે, જેનું બંધાણ તે ચીજને ચગળે, થોડુ મમળાવે અને થૂંકીને સૌ પાછા પોતપોતાને ઠેકાણે. ગામ કે મહોલ્લા આખાની ઉપાધિ કરનારા નવરાઈદેવીના આરાધકો ને મન તો પાનના ગલ્લા તેમની ઈષ્ટદેવીનો મઠ અને તેઓ તેમના રાખડીબંધ ભુવા. લોકબોલીની 'જીભોટી'કે હથોટી માં મોટા-મોટા સાક્ષર તેમની આગળ દાણા જોવરાવે.
કાઠિયાવાડના ગામડામાં, ગામના પાદરમાં જ ટોળુ વળીને પાનનાં ગલ્લાઓ હોય છે, જ્યારે નાના-મોટા શહેરોમાં તે દર ચોથી કે પાંચમી દુકાને દરેક શેરી-સોસાયટી અને શૉપિંગ સેન્ટર પર મળી રહે. શહેરના કોઈ પણ એકલવાયા ખૂણે તમને દુકાન નહી તો નાનકડી કૅબીન તરત જ દેખાઈ આવશે. પાનના ગલ્લાઓને કાઠિયાવાડમાં પોતાના માટે કુટુંબનિયોજન યોજના લાગુ પડશે જ નહી તેની પૂરતી ખાતરી છે અને આ વાત તેમના દ્વારા કમાણી કરતાં માલિકોને પણ અજાણી નથી.આમેય ગલ્લાના માલિકોમાં તમને એક વાત નોર્મલી કોમન જોવા મળશે કે તેઓ ન્યુઝ ચેનલોના ઍક્ષ્સપર્ટ જેવા હોય છે, તેમને દરેક પોઇન્ટ પર વ્યુ હોય જ છે.
પેઈડ જર્નાલિઝમ કરતાં પેઈડ ગલ્લા વધારે ધારી અસર કરી શકે કાઠિયાવાડમાં, આ વાત સ્વાનુભવે હું જણાવી શકું છું, કોઇ સત્તાવાર સર્વેક્ષણો નથી થયા પણ દરેક ગામમાં પાંચ ની સરેરાશ ગણો તો પણ ૨૦ હજાર જેટલા ગલ્લાઓ તો ફક્ત સૌરાષ્ટ્રના ગામડામાં જ મોજુદ છે. અને તેના દ્વારા ફેલાતી સારી-નરસી વાત ઇન્ટરનેટીયા જમાનામાં પણ વધારે ઝડપ અને ધારી અસર જન્માવે છે. વ્યસનમુક્તિના એક મુદ્દા સિવાય બીજા ઘણા સારા કાર્યો માટે આ ગલ્લાઓનો સંપર્ક સંસ્થાઓ કે વ્યક્તિવિશેષ કરે અને જો મહેનત કરવામાં આવે તો અહીં ભેગું થતુ ટોળું, તાલીમબધ્ધ સૈન્ય કરતાં વધારે અસરકારક કાર્ય કરી શકે તેમ છે..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો