બુધવાર, 19 ઑક્ટોબર, 2011

રત્નો તો રમતાં મળે


આ ગુર્જરધરાનો ખોળો,
રત્નો તો રમતાં મળે;

થાય સ્વાદ થોડો મોળો,
મીઠું ઉપાડતો મોહન મળે;

ટુકડે કદાચ વેરાય હિંદ,
અખંડ કરવા સરદાર મળે;

ગામડે જો ઇતિહાસ રૂવે,
પાળિયાને પૂછતો મેઘાણી મળે;

સમાજ આભડે જો પોતાને અંગે,
દિલને અડતો 'મહારાજ' મળે;

ખેંચ પડે ધરમ-જાત્રાએ જાતાં,
લખેલી હુંડીઓ નરસૈયાની મળે;

કદીકને ડરો તમે સપના જોતાં,
હાથી એ બેઠેલો 'અંબાણી' મળે;

આભને નકશે પડો જો ભુલા,
રસ્તો કરનાર વિક્રમ મળે;

પાના જો ઉથલાવો તમે,
મુનશી,દયાનંદ ને નર્મદ મળે;

આ ગુર્જરધરાનો ખોળો,
રત્નો તો રમતાં મળે;

-નરેશ સાબલપરા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો