શનિવાર, 15 ઑક્ટોબર, 2011

તરસને તોડું છું





પ્રભાતે ઝાકળબિંદુ લાવી તરસને તોડું છું,
ટાઢી એક ક્ષણને તપાવી વરસને તોડું છું,

આ કંચનવર્ણી છબી તારી,સ્પર્શે કોતરી હતી,
કથીરના ટુકડા સંઘરી, આ પારસને તોડું છું;

તારી દરેક બોળચોથના ઉપવાસ ભુલ્યા મેં,
એકલા હું પારણા કરી અગિયારસ તોડું છું;


પહેલી મુલાકાત આપણી કેમે ભુલાય નહી,
એટલે આખરી યાદના આ વારસને તોડું છું;

ઝૂંપડીમાં વાંસડે તારી યાદનું ફાનસ સળગે,
વિસ્મૃતિના પાણીએ મહેલનો આરસ તોડું છું;

આપણે બંધાયા હતા સાતભવના કોલ કરી,
મોતને એકલું બોલાવી અરસપરસને તોડું છું;


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો