બુધવાર, 6 જુલાઈ, 2011

એમ થાતાં થાતાં તો....

               
                 એમ થાતાં થાતાં તો આભમાં અષાઢી બીજ દેખાણી. ઈન્દ્ર મહારાજ ગેડીદડે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધડૂકવા મંડ્યો. ડુંગરાને માથે સળાવા કરતી વીજળી આભ જમીનનાં વારણાં લેવા માંડી. સાત સાત થર બાંધીને કાળાંઘોર વાદળાં આસમાનમાં મંડાઈ ગયાં. પછી તો, વાદળાંનાં હૈયાંમાં વિજોગની કાળી બળતરા સળગતી હોય તેવી વીજળી આકાશનાં કાળજાં ચીરી ચીરીને ભડભડાટ નીકળવા લાગી. કોણ જાણે કેટલાયે આઘેરા સાગરને કાંથે દિલડાંનાં સંગી બેઠાં હશે, તેને સંભારી સંભારીને વીજોગી વાદળાંઓ મનમાં મનમાં ધીરું ધીરું રોવા મંડ્યાં. પોતાની સાંકળ (ડોક) ના ત્રણ-ત્રણ કટકા કરીને મોરલા 'કેહૂ...ક! કેહૂ...ક!' શબ્દે ગેહેકાટ કરવા મંડ્યા; ઢેલડીઓ 'ઢેકૂક! ઢેકૂક!' કરતી સ્વામીનાથને વીંટળાવા લાગી. વેલડીઓ ઝાડને બાથ ભરી ભરી ઊંચે ચડવા મંડી.(સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧ માંથી)

                       અષાઢી મેહૂલિયો જ્યારે પોતની મસ્તીમા હોય ત્યારે કેવો રંગ જમાવે તે મેઘાણીજી સિવાય કોણ સારી રીતે વર્ણવી શકે. સૌથી પહેલા શરૂઆતમાં ઈન્દ્રને ગેદીદડે રમાડીને ચોમાસાની બાલ્યાવસ્થાને કેવી સહજતાથી ગેડીદડાની રમત સાથે સાંકળી લીધી છે. પણ હજી સુધી ગુજરાતમાં વર્ષારાણી રૂઠેલા રહેતા આ આષાઢી મોજ આપણાં નસીબમા નથી, એટલે મને થયું ચાલો થોડી અષાઢના શબ્દદેહથી ભીંજાયને તરબતર થઈએ. પહેલા તો એમ થયુ કાલિદાસના મેઘદૂતનુ વિશ્લેશ્ણ કરુ, પરંતુ પછી તમારી ટૂંકમાં કંટાળવાની વ્રુત્તિ અને મારી નિરસ ભાષાની મર્યાદા યાદ આવતા સમજાયુ કે તમને અને મને બન્નેને ઝવેરચંદ મેઘાણી સિવાય આ ઘુંટડો કોણ ગળે ઉતારી શકે! લોકબોલી જેવી રસાળ ભાષા....જલેબી યાદ આવે છે..ચલો થોડી ખાઈને આવુ પછી વાત આગળ ચલાવશું.

3 ટિપ્પણીઓ:

  1. સરસ શબ્દોનું સંકલન કર્યું છે . ઝવેરચંદ મેઘાણીની વધુ માહિતી પુસ્તકમાંથી મુકશો .

    જવાબ આપોકાઢી નાખો
  2. રુપેન ઝવેરચંદ મેઘાણીની વધુ એક પોસ્ટ રજુ કરી છે..ટીપ્પ્ણીઓ આવકાર્ય છે..

    જવાબ આપોકાઢી નાખો