સોમવાર, 19 ડિસેમ્બર, 2011

કલમ-પરશુ


વેલ બનીને હું વિકસું છું,
આ ધરતીકાંધે કણસું છું,

પાંખ જડી ના વાદળની પણ,
શ્રાવણ શરમાવી વરસું છું,

હા, દરિયામાં હું ધરબાયો!
કો' મરજીવા કર તરસું છું,

નાટકનો મેં વેશ ધર્યો છે,
ના સમજો જોગી, જડસું છું,

હેં! કલમે કીધું મુજને શું?
જાળવતો લખજે, પરશુ છું...

-નરેશ સાબલપરા

ગુરુવાર, 15 ડિસેમ્બર, 2011

કરમ કર સદા આશ ફળની છોડીને..


પ્રયાસો કરીનેય પામી ના શકતો,
ફરેબો કરીનેય ફાવી ના શકતો,

જરા હુંય નખરા કરું રીઝવવાને,
સનમને સ્વપ્ને પણ સતાવી ના શકતો,

સમી સાંજ માં મીંચતો આંખલડીને,
સવારેય સ્વપ્ન એક વાવી ના શકતો,

બધી લાગણીઓ તમારી થરથરતી,
હું મજબૂર કેવો તપાવી ના શકતો,

મને છીપ પણ હાથ ના લાગ્યાં દરિયે,
છતાં આશ રત્નની શમાવી ના શકતો,

'કરમ કર સદા આશ ફળની છોડીને',
ખબર તોય લાલચ દબાવી ના શકતો..
-નરેશ સાબલપરા

મંગળવાર, 13 ડિસેમ્બર, 2011

હાથ ખાલી આ બતાવી દંગ રાખું...



સૈન્ય શરણાગત થયું તો શું હજીયે જંગ રાખું,
હાથ છો બંધાય, કરતબથી જગતને દંગ રાખું,

લાગણીની ખેંચતાણોમાં થયું છે દિલ નરમ ને,
તોય તારા આખરી એ ઘાવ સહવા તંગ રાખું,

જીંદગાનીએ ચિત્રો ટાંગેલ પડછાયા સરીખા,
આપણાં સંગાથના લીલોતરાં ફક્ત રંગ રાખું,

મીટ બાંધીને ભલે ઊભા બધા આ આંગણે પણ,
થાય એવું હાથ ખાલી આ બતાવી દંગ રાખું...

-નરેશ સાબલપરા