મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

ગામનુ પાદર..એક દિનચર્યા


ગામનુ પાદર..એક દિનચર્યા

        એકધારા ટહટહિયા પછી શ્રાવણિયો મેહ હવે પો'રો ખાવા રોકાયો છે. ગામના સૌ લોક પોત-પોતાની નવરાઇ માણી ને પાછા કામ પર લાગી ગયા છે. કોઇ ગાડામા તો કોઇ પગપાળા ખંભે ઓજાર લઈને ચાલી નીકળ્યા છે. ગામનુ પાદર એક બાળકની આંખમા રમતા વિધ-વિધ રંગ જેવું દેખાય છે. ધીમે ધીમે સવિતાનારાયણ પોતાની તડકીને કઠોર રૂપ આપવા મથી રહ્યાં છે અને વાદળા સાથે બાથે ભીડાણા છે. દક્ષિણ સીમમાંથી ગામનું ધણ હંકારતા ભરવાડના ડચકારા હજી ધીમા સંભળાય છે. પાદરના આથમણા ખુણે શિવાલયમાંથી ગોરબાપાના મુખેથી  શિવમહિમ્નસ્ત્રોતની સૂક્તિનો ઘેરો   નાદ સંભળાય છે.  બાજુમા ઉભેલા બજરંગીની દેરી નવી ઉર્જાનો સંચાર કરી રહી છે. ઉગમણી દિશાથી નદીના પાણીનો કલબલાટ પીપર ઉપર બેઠેલા પંખીડાઓના ઘુઘવાટમા મળીને સુંદર સંગીત રેલાવી રહ્યો છે.   ઓતરા'દી નિશાળમાંથી ભુલકાઓનો પહાડાઓનો પાઠ બધાની સાથે પોતાનો તાલ મિલાવવા મહેનત કરી રહ્યો છે. પાદરની વચ્ચે આવેલો હવાડો ભરપૂર ભરેલો હોવા છતાં પશુ માટે પોતે અતૃપ્ત જણાય છે. વર્ષોથી સંત થઈને છાયાશિષ આપતો લીમડો નવા કલેવર ધારણ કરી પવન ભેગો પોતાની ધીરજ ખોઇ રહ્યો છે. પાદરના બીજા બે-ચાર અટુલાં ઉભેલા વૃક્ષો પણ તે સંતના સંઘમા જોડાયા છે. એક ખુણે ઉભેલો પાણીનો  ટાંકો છેલ્લા થોડા વર્ષોથી પનિહારીઓની પંચાત સાંભળવા અધીરો છે, પણ દિવસ આખામા હવે એકલ-દોકલ પનિહારી જ તેની નજીક ફરકે છે. ઉત્તર થી દક્ષિણ પથરાયેલા ફણીધર જેવી ડામરની સડક પર એકેય લોખંડી જીવડુ દેખાતુ નથી. બે-ચાર કુતરાં હજી થાક્વાની મહેનત કરતાં વડલા નીચે રમી રહ્યા છે. ગ્રામ પંચાયતનુ મકાન કોઇ આવીને ગામની લોકશાહીનુ તાળું ખોલે તેની રાહ જોઇ રહ્યું છે. બે ચાર પાનના ગલ્લાવાળા ટી.વી.ની ચેનલો ફોળી ને નવરાઇને મનોરંજક કરવા મથી રહ્યા છે. કાછીડાની બૂમ ઘણીવાર નવરાઇને લીલી કરતી સંભળાય છે. સમયપત્રકને અનુસરવા સરજાયેલી એસ.ટી.ને બે-ત્રણ બસો રસ્તાની હાલતપ્રમાણે હંમેશા વર્તાવ કરે છે. એ જ્યારે પણ આવે પાદરની બધી આંખો એને તાકે છે અને શોધવા મથે છે કોણ અને શા માટે? થોડીવાર ની ઘરેરાટી પછી બધું લગભગ પુર્વવત થઈ જાય છે.  પણ સૌથી વધુ સમૃધ્ધ તો લીમડાના ઓટે બેઠેલુ વૃધ્ધ મંડળ છે. દરરોજ ગામની વચ્ચે આવીને ગોષ્ઠી કરતં આ મંડળ ગલ્લેથી ફક્ત છાપાંનુ ચોપાનિયુ લેવાની ગ્રાહકાઇ કરે છે. છાપું લઈને એકાદ જણ બધાને વાંચી સંભળાવે અને પછી શરુ થાય બેઠા-બેઠા જગતયાત્રા. પાછલી જિંદગીનો ખજાનો ખોલીને ઘણી વાર તેણે ગામના જુવાનિયાઓને સમૃધ્ધ કરવાની કોશેશ કરી છે. ઘણીવાર જુવાનિયા પાસેથી પોતે નવી દૂનિયાની સાથે તાલ મિલાવવાની તૈયારી પણ કરી છે. બપોરે જ્યારે નિશાળની છુટ્ટી થાય છે, ત્યારે અહીં આ નરસૈયાની ભજનાવલિ કલાપીના કેકારવ સાથે મળીને ઘરે બપોરા કરવા હાલી નિકળે છે.રોજિંદી થતી સવારની આ પ્રક્રિયામાં વાર-તહેવારે અને ક્યારેક મૃત્યુનો મલાજો પાળવા માટે જ ખલેલ પડે છે. શિયાળે થોડી આ સવાર ધ્રુજે છે તો ઉનાળે થોડી અક્ળાતી દેખાય છે.
      બપોરના સમયે તો બધાને વિસામાની જરૂર હોય તો પાદરને કેમ નહી? પાદર પણ અટૂલું પડતાં જ આરામ ફરમાવવા લાગે છે. નિર્જીવતાની વચ્ચે બે-ચાર રેઢિયાર ઢોર અને રખડતાં કૂતરાંમાં જાણે એ પોતાની આત્માની ખોજ કરવા તપ કરતું હોય તેમ લાગે છે. બપોરે તે પોતાની ઉંમરમાં પરિપકવ થયેલું લાગે છે. ઝાડના ઓટા ઉપર કોઇ માંગણ કે સાધુ મહાત્મા ક્યારેક પો'રો ખાતા તેના તપમા ભગીદાર થાય છે. હા, ઉનાળે સીમથી પરવારેલા જુવાનિયાઓના ગંજીપાની રમતો તેના આ તપમાં વિક્ષેપ કરતાં દેખાય છે. તેના તપમાં મળેલા સાથ નો હરખ-ધોકો કરતું નથી. ક્યારેક કોઇ ઝાડની છાયામાં વિચરતી જાતિનું કુટુંબ પણ તેના વૈરાગીપણામાં પોતાનાપણાનો અનુભવ કરવા રોકાઈ જાય છે. બપોરના સમયે ગામનુ પાદર સંપૂર્ણપણે આત્મલીન થઈ જાય છે, જાણે તપના પાઠ ભણાવીને કહેતું ન હોય કે આત્મખોજને એકલતાની જરૂર હોય છે.
      દિવસની આથમતી ઉંમરે તેમા થોડી ચહેલ પહેલ વધતી જાય છે. ગામમા પાછા ફરતા ધણ અને ગાડા હરીફાઇમા ઉતરે છે. ગલ્લાની દા'ડીમા સાંજ ઢુકડી આવતાં થોડો વધારો થાય છે. નિશાળ શાંત થતાં શેરીઓ ગૂંજી ઉઠે છે. લુહારના હથોડાનો રણકાર અને પાડરુનો રણકાર બન્ને સાથ મેળવીને દોડવા માંડે છે. ગોધૂલિની રજોટ સંધ્યાના રંગોમાં થોડી ઝાંખપ ભેળવે છે. મહાદેવની આરતિની તપશ અને ઝાલરની ધૂન તેમા નવયૌવન પુરે છે. સાંજ સમયે પાદર એક યુવાનની અધીરાઈ જેવુ છલકાય છે. ભરવાડના ગાડરિયાવાઘ અને ધણ ભેગા મળીને એક મેળો રચી દે છે. સીમમાંથી પાછા ફરતાં ટ્રેક્ટર આ મેળામા પોતાના રસ્તો શોધવા મથે છે. પંખીડાઓ ઝાડવાને વાચા આપી દે છે, અને ડાળીઓ પણ એક્બીજાને મળવા પવનનો સાથ મળતા સખીમંડળ જેવો ઘુઘવાટ કરવા માંડે છે. રસ્તાઓ ફણીધરને કાકરીચાળો કરતાં જેમ સળવળે તેમ ઉભરાવા લાગે છે. વચ્ચે-વચ્ચે કોઇ સાઇકલ અને મોટરસાઇકલ મૂંગી-મૂંગી ઘરેરાટી કરી જાય છે. સૌની જેમ પાદરને પણ ઉતાવળના ઓરતાં જાગ્યા હોય તેવુ વાતાવરણ જોવા મળે છે,પણ તેમા અધીરાઇ કરતાં નજરે દેખતાં લક્ષ્ય સુધી પહોંચવાની ખુશી વરતાઇ છે. પાદરનુ કાયમી સાથીદાર પેલું વૃધ્ધમંડળ હવે કોઇ ભૂલકાંની આંગળીએ તો કોઇ ઝાલરના રણકારે ખેંચાઇને જુના ભેરુને રાતવિસામો કરવા મૂકી જાય છે. ધીમે-ધીમે તિમિરધોધ પાદરને નવરાવીને તેનો દિવસભરનો થાક ઉતારવાનુ શરુ કરે છે.
      વીજળીના થાંભલે બે-ત્રણ પલકારા કરીને ટ્યુબ-લાઇટ રૂપી આંખે પાદર પોતાના નવા રૂપને જોવાની મથામણ કરવા લાગે છે. હવે ગલ્લાપર ભીડ જામવા લાગી છે.આધેડ અને જુવાનિયા મળીને દિવસભરની દબાવેલી બધી તલબો પૂરી કરવા તલપાપડ થયા છે. ઝાડવાની નીચે આછા અજવાળામા ત્રણ-ચાર ટોળા અલગ અલગ ધૂંધવાયેલા જોવા મળે છે. ઝાડવા પણ તેમના ધૂમાડાથી અક્ળાયને ક્યારેક થોડી હણહણાટી કરીને પાછા ઊંઘી જાય છે. દરેક ઝાડ અત્યારે રાતરાણીના રસાલાના ઘોડા જેવુ ભાસે છે. ધીમે-ધીમે તેની નીચે એકઠી થયેલી ટોળી વીખેરાયને ત્યાં નિરવ શાંતિ પથરાય છે. થોડી વાર પાદર પોતાનુ આ વિરાગી જીવન જોઈને પોતે પણ ઝંપી જાય છે. હવે ક્યારેક દૂરથી શિયાળની લાળી તો ક્યારેક ચીબરીનો ચિત્કાર સંભળાય છે. પાદરને આ અવાજો થોડુ પડખું ફેરવીને સુવાની સગવડ કરે છે.

સોમવાર, 29 ઑગસ્ટ, 2011

"લિ. હું આવું છું"



"લિ. હું આવું છું" એવું કહીને એ સાચેય આવેલો
પુરેપુરો આવેલો, ખુબ ધરાઈને આવેલો
પણ હવે બધું જ સુનું છે...
કંકુવરણી પાંચાલ ભોમને એક નાનકડું બાળ સાંભરે
રાજકોટને એક છોકરડાનો એ અનહદ લગાવ સાંભરે
જૂનાગઢની બહાઉદ્દીનને એનો "રાજા જનક" સાંભરે
બંગાળી ભાષાને અદકા ગુજરાતીનો પ્રેમ સાંભરે
કલકત્તાની ક્રાઉન ફેક્ટરીને એના "પાઘડી બાબુ" સાંભરે
"Yes Kathiyavad, I love you " લખનારો અમને એક મેનેજર સાંભરે
સોરઠના ચોરાઓને હાકેમોના હોકા સાંભરે
કાઠીયાવાડના પાળિયાઓને એનો તારણહાર સાંભરે
માસાજી શિવલાલને પેલો ગોપીચંદનો ગરબો સાંભરે
સોમ, મંગળ, બુધ, ગુરુને "સૌરાષ્ટ્ર"ની એ કલમ સાંભરે
તો શુકર, શનિ, રવિને એનો એક ધૂની ભાઈબંદ સાંભરે
રાણપુરની ટ્રેનને એનો એક રખડું મુસાફર સાંભરે.
કે હવે બધું જ સુનું છે...
સોરઠના ચોરા પોકારે તું આવી જા
"મોતીની ઢગલીઓ" કરે તું આવી જા
કે ગિર સુનું પડ્યું છે,
સાવજ સુના પડ્યા છે,
સૌરાષ્ટ્રની રસધાર તો જાણે સુકાઈ ગઈ છે
લોકકથાઓ અભેરાઈ પર જાણે મુકાઈ ગઈ છે
એક ચારણ કન્યા હીર બતાવે આવી જા
આ ધરતીનું ધાવણ બોલાવે તું આવી જા
મુંબઈના સાક્ષરોના તને નિસાસા બોલાવે કે આવી જા
રાજસત્તાના દમનમાં જોને પ્રજા રિબાણી
નવા બહારવટિયાઓને પોરસ ચડે તું આવી જા
આ ખોળિયા સોંસરવો આત્મા કહે તું આવી જા
ચારણોનાં સુકાતાં કંઠ કહે તું આવી જા
ડિંગળી સાહિત્યનો જંગ કહે તું આવી જા
ભૂચર મોરીનો રક્તરંજિત રંગ કહે તું આવી જા
કલાપી નો કેકારાવ ગુંજે તું આવી જા
નાન્હાલાલની કવિતાઓ જો કકળાટ કરે તું આવી જા
ઢેલી મેરાણીનાં ગીતો બરડામાં ગુંજે
પોણી પોણી રાતુંના ઉજાગરાં આંજી આવી જા
ઓલી રઢિયાળી રાતુંને ઓઢી આવી જા
કે દુહા મરવા પડ્યા છે
ને ગીતો મરવા પડ્યા છે
કંઠસ્થ લોકસાહિત્ય જગતનાં લડવૈયા મરવા પડ્યા છે
પાળિયાઓનાં જીવ જાય તે પહેલા આવી જા
લગનગીતોનાં મરસિયા ગવાય તે પહેલા આવી જા
જો "સૌરાષ્ટ્ર, ફૂલછાબ, જન્મભુમિ" તને બોલાવે આવી જા,
ટાગોરની કવિતાઓ બોલાવે આવી જા
ગોળમેજીમાં જાવા હારૂં ગાંધી તૈયાર બેઠાં છે
એય રાષ્ટ્રીય શાયરને બોલાવે કે હવે આવી જા.!
બસ "લિ. હું આવું છું" એવું ફરી એકવાર કહી જા..

-બિરજુ.


બિરજુભાઇ ફિલ્મી જગત સાથે સંકળાયેલો જીવ પરંતુ સાહિત્યના ઊંડા રસિક ખરા. હજુ આજે જ મારી વર્ચ્યુલ મુલાકાત તેમની સાથે ગૂગલ પ્લસ પર થઈ. તેમની આ રચના દ્વારા જ સ્તો! પણ લાગ્યુ કે આ મુરબ્બીને હજી સુધી ક્યારેય ના મળ્યો તે મારા દુર્ભાગ્ય.
જે સાદ અત્યારે ગુજરાતી સાહિત્ય મેઘાણીજી માટે અત્યારે પાડી રહ્યું છે તે અહિંયા આબાદ ઝિલાયો છે.  તેમની આ સુંદર રચના મેઘાણીજીના એક પત્રનું જ પ્રતિરૂપ છે, મેઘાણીજીને વાંચનારા મિત્રો થી આ વાત તો અજાણ ના જ હોય.  બિરજુભાઇની રજામંદીથી આ રચના અહીં પ્રસ્તુત કરી છે. જેને માટે હું તેમનો ખુબ-ખુબ આભારી છું. તેમની પ્રોફાઈલ લિન્ક પણ આ સાથે અહીં છે, જેથી અન્ય રસિકમિત્રો પણ તેમને માણી શકે.
https://plus.google.com/111542494373441656987/about

બુધવાર, 17 ઑગસ્ટ, 2011

"મારા બાપલિયા! જામીછે હો....


"મારા બાપલિયા! જામીછે હો. નો'તી ધારી કે આ મૅચ આવી થા'હે! એ તઈ સાંભળો મારા ભાયુ. એ ય ને ભગવાને જ્યારે નવરી ઘડી એ બે ઘડીનો વીસામો લઈ ને ઘડ્યો હશે, ત્યારે બન્યો હશે મારો મલક આ ૬૪ જોગણીઓ નો નોખ-નોખા રૂપ જેવો ક્યાંક લીલુડો અને ક્યાંક કેસરિયો, ક્યાંક વીરલાનો અને ક્યાંક વીરાંગનાઓનો. એને કંઈ કેટલાય ગાંધી, સરદાર અને બોઝ જેવાયે પોતાના વીચારોથી એને કોચીંગ આપ્યુ હતુ. ધીમે ધીમે કોણ જાણે કૂદરતનુ કરવુ ને મારી માભોમ ને વિદેશી કૉચની લત લાગી ૨૦૧૧ આવતા આવતા તો  જાણે આભ ફાટ્યુ હોય તેમ ભ્રષ્ટાચારના ભોરીંગે એવો ભરડો લીધો કે પૂછો મા વાત. એલા વા'લીડાવ વાત તો મૅચ ની કોમેન્ટ્ર્રીને હતી ને આપણી ગાડી એ પાટો ફેરવી નાખ્યો. ચાલો પાછા આપણી જૂની મેડી પર.."
"એ ય ને ભારતની ભોમકા પર તે'દી જાણે કુદરત પોતાનો પ્રકોપ વરસાવી રહી છે, ચારે-કોર ભ્રષ્ટાચારએ માઝા મૂકી છે, કઠપૂતળીઓના ખેલમા મનમોહન વડી કઠપૂતળી છે. એના રાજ મા એ ય ને રાજકારણીઓ ને લીલાલ્હેરને પ્રજાને કાળો કેર છે. એવે ટા'ણે એક મૅચ હજી હમણા પુરી થઈ,
 આમ તો અટાણે આ ઇન્ટરનેટીયા જમાનામા અને ચૅનલોના વાવાઝોડામા તમને સવ ભાયુ ને ખબર જ હશે કે થોડા'દી પેલા આ ભારત ની ભોમકા પર એક નવો-સવો કૅપ્ટન પોતાની ટીમ લઈને કુદી પડ્યો. વળી પાછો મરદનો બચ્ચો ખરો, તે 'રાજ' સામે પડ્યો અને કે'છે કે હું તો તમારી નહી પણ ભ્રષ્ટાચાર સામે રમવા માંગુ છું. પણ આ તો ભાઈ ભારતની સરકાર એનુ તો એમ કે ભ્રષ્ટાચાર એટલે અમે જ. પછી તો મંડાણ થ્યા એક નવી ક્રાંતિના! આજ દી સુધી જે મૅચ કોઇએ નો'તી દીઠી તે મૅચ જોવા મળી. પેલા એક પ્રૅક્ટિસ મૅચ નુ આયોજન થયુ. કોઇપણ ખેલૈયા કે પ્રેક્ષકે નો'તુ ધાર્યું કે આ નવો સવો કૅપ્ટન આમ આટલા બધા લોકો નો જુવાળ ઉભો કરી શકશે. પછી તો મૅચ જામી પણ થોડી વારની લડાઈ બાદ સરકાર મૅચને ડ્રૉ ખેંચી ગઈ. દરેક વખતે થાય છે તેમ થઈ ગયુ કુશળ લડવૈયો જેમ રાજનીતિ મા પાછો પડે તેમ આ કૅપ્ટન પણ રાજનીતિ આગળ પાછો પડ્યો. સરકાર પણ આ મૅચના પરીણામથી રાજીના રેડ થઈ ગઈ. અમે તો ભલ-ભલા ચમરબંધીની પણ પરવા નો' કરીએ. અમે કોણ અમે તો ભારતની સરકાર!આવુ તો વીચારવા લાગી સરકાર. પણ આ રાજનીતિના રખેવાળોને ખબર નો'તી કે ખરી મૅચ હજી બાકી છે. પ્રૅક્ટિસ મૅચમા તો સરકારી ટીમે સારી એવી ફટકાબાજી કરી અને એક વાર તો ધોકાધારી ઉપર જ ધોકાવાળી કરી નાંખી'તી. એય ને એમ કરતા-કરતા તો આવી ગઈ ૧૬મી ઑગષ્ટ્ની સવાર...
એયને મીઠા-મધૂરાં પંખીડા ના કલરવ થાતા'તા ને હજી ગઈકાલની ઉજવણીમા મશગૂલ સરકાર ચૂર હતી. એવા ટાણે આ કૅપ્ટને તો પોતાની અગાઉ જાહેર કરેલી નીતિ મુજબ પોતાના કાર્યક્રમ મુજબ આગળ ચલાવ્યુ. સરકારને એમ હતુ કે આગળ જેમ કર્યું હતુ તેવુ કરીને આ વખતે પણ અમે જીતી જઈશુ. ટીમના કૅપ્ટન ઉપર અને ખેલૈયાઓ ઉપર એમણે તો છુટા દડાના ઘા(બાઉન્સર) કર્યા. લાગતુ'તુ કે પેલુ સેશન સરકાર આરામ થી પોતાની બાજુ મા ખેંચી જાશે, પણ લોકો ની હૈયાહોળી અચાનક આગમા પલટાઇ ગઈ. અને કૅપ્ટન ની સાથે તો મારો આખો મલક પોતાના રંગ મૂકીને એક રંગમા રંગાઈ ગયો. કોણ યુવાન અને કોણ ઘરડા, કોણ સ્ત્રીને કોણ પુરુષ, કઈ જાત ને કઈ નાત આ ટોળામા કાંઇ ગોત્યું નો'જડે હો ભાઈ. અડધી સદી પછી લાગ્યુ કે નહી ગાંધી જેવો કોઇ બીજો માનવ થઈ શકે ખરો હોં કે! જ્યારે ટોળુ ભેગુ થાય એટલે શીસ્તના
પાઠ પેલા ભણાવવા પડે. અને કેટકેટલીય શીખામણુંની ગાંઠ્યુ બાંધવી પડે હો મારા ભાયું. પણ કીધુને મારા વાલીડા'વ કે આ તો ગાંધીને પગલે પગ પાડનારો, મારા બાપલિયા સમ ખાવા પુરતુ એક છમકલુય નો થાવા દીધુ આ એની હારે હાલવા વાળાએ હોં કે! પેલા દાવમા તો એવી છકડી ચડાવી કે સરકાર ચક્કરડીએ ચડી કે હવે કેવા દડા નાખવા? પેલા એવો દડો નાખ્યો કે લાગતુ હતુ કે દાંડીયા ડૂલ થઈ જશે પણ કે'છે ને કે મારો રામ રાખે એને કોણ ચાખે? દડા ને એવો તો ધોયો કે આખી સરકાર ફીલ્ડીંગમા હતી તોય દડો પકડવો જાણે કોઇના હાથની
વાત નો'તી. આખો'દી કાઢી નાખ્યો પણ હજી કોઇ એના એક પણ ફટકાને કોઇ પકડી નથી શક્યુ. અને હજી તો આ તો મંગળાચરણ હતુ કથા તો હજી ચાલુ જ નથી થઈ મારા વાલીડા'વ..તઈ થવા દ્યો તમારા ટહુકાવ ટીપ્પણીઓ ના રૂપે કથા આપ્ણે આગળ ચલાવતા રહીશુ...ઍ સૌને રામેરામ!!!

મંગળવાર, 2 ઑગસ્ટ, 2011

તમને શું લાગે છે



તમને શું લાગે છે? પત્રકારત્વ ફકત ટીવી સ્ટૂડીયોમા બેસીને જ થઇ શકે, ના ફીલ્ડમાં જઇને
પણ પત્રકારત્વ થઇ શકે છે. જેવી રીતે કે અમારા કિશોરને જ દાખલા તરીકે લો. જેવી ખબર મળી કે કલમાડીજી ને ડિમેંસિયા(ભુલવાની બીમરી) થઇ છે કિશોરને પેટમા ઉથલપાથલ શરુ થઇ! ન એમ નહી એને કોઇ કબજીયાત કે દુખાવાની ફરિયાદ નથી. પણ કિશોરને બેચેની ઘેરી વળી. તેણે મનમા ગાંઠ વાળી લીધી કે કેમેય કરીને સુરેશ કલમાડીજીનો ઇન્ટર્વ્યુ લઇ ને રહીશ. હું પોતે વળી તેને સલાહ આપવા લાગ્યોઃ " એ તો જેલમાં છે, ત્યાં ઇન્ટર્વ્યુ નહી લેવા મળે".
કિશોર બોલ્યોઃ "જેલમાં ખંડણીનો ધંધો થઇ શકે, જેલમાં બેઠા-બેઠા ચૂંટણી લડી શકાય, કલમાડીજી જેલમાં રહીને પોતાના એમ.પી. ફંડમાંથી ચેક સાઇન કરી ને આપી શકે તો પછી ઇન્ટર્વ્યુ કેમ ન લઇ શકાય.
મેં કહ્યું ઃ" મરી તો ત્યાં કોઇ લાગવગ નથી કે હું તને ત્યાં કંઇ મદદ કરી શકું, તારી પોતાની ઓળખાણ હોય તો લઇ આવ." થોડી વાર વીચારીને કિશોર મલક્યોઃ "એક વાર તિહારના એક હવલદારની મદદથી એક સ્વામીજીનો ઇન્ટર્વ્યુ લીધો હતો. લાગે છે તે જ આજે કામ લાગશે."
આટલું બોલીને કિશોરે તો ચાલતી પકડી.(ના યાર! એવુ નહી વીચારો કે તેણે કોઇ યુવતીને પકડી...આ એક અત્યારની ગુજરાતી ભાષાનો નવો શબ્દપ્રયોગ છે.) બે દિવસ પછી એટલે કે અલે રાતે પછો મને મળવા માટે આવ્યો તો હાથમાં કલમાડીજીનો ઇન્ટર્વ્યુ હતો. વિજયી અદામા મને કહે" કાલે જ બ્લૉગ પર પૉસ્ટ કરી દો નહીં તો કોઇ ન્યુઝ ચેનલ આને જ એક્ષ્ક્લુઝીવ કહીને દેખાડવા માંડશે"
તો આ રહયો કિશોર કલમદાર દ્વારા લેવાયેલો કલમાડીજી નો ઇન્ટર્વ્યુ..તમે બધા વાંચો અને કિશોરનુ પત્રકારત્વ કંઇ ક્રાંતિ લાવી શકે તેમ છે કે નહી તે જણાવજો. ઑફકોર્સ ટીપ્પણીઓ દ્વારા....
કિશોરઃ કલમાડીજી, હમણા આપના વકીલ દ્વારા પ્રજાજોગ સંદેશમા સાંભળવા મળ્યુ કે...સૉરી વડાપ્રધાન હમણા ફક્ત પત્રકારોને જ પ્રજાજોગ સંદેશ સંભળાવે છે એટલે બોલાઇ ગયુ! હા તો આપના વકીલ દ્વારા જાણવા મળ્યું કે તમે ડિમેંસિયાના શિકાર થયા છો.
કલમાડીજીઃ આ ડિમેંસિયા શું છે?
કિશોરઃ (ધીમેથી) લાગે છે સાચ્ચેજ ડિમેંસિયા વળગ્યો છે.
કલમાડીજીઃ તમે કંઇ કહ્યું?
કિશોરઃ ના-ના, હું કંઇ નથી બોલ્યો. તો હું એ પૂછી રહ્યો હતો કે તમને ક્યારે ખબર પડી કે તમને ભૂલવાની આ બીમારી ટૂંક મા તમારી યાદદાશ્ત જઇ રહી છે?
કલમાડીજીઃ મને નહી. દસ દિવસ પહેલા મારા વકીલે મને કહ્યુ કે ધીમે-ધીમે હું મારી યાદદાશ્ત ગુમાવી રહ્યો છુ.
કિશોરઃ પણ યાદદાશ્ત તો તમારી છે.. તો એમને કેમ ખબર પડી?
કલમાડીજીઃ શું અને કોને ખબર પડી?
કિશોરઃ ( ગણગણાટ કરતો હોય તેમ) લાગે છે સાચ્ચે જ વળગાટ છે.. નહી  હું પૂછતો હતો કે યાદ એ તો તમારી પોતીકી આઇ મીન પર્સનલ છે. તો પછી તમારા વકીલ ને કેવી રીતે ખબર પડી કે તમારી યાદદાશ્ત જઇ રહી છે.
કલમાડીજીઃ અરે! એમ પૂછી રહ્યા છો. તો થયુ એમ કે મેં મારા વકીલને ફી ના પૈસા માટે જે ચૅક આપ્યો તેમા તારીખ ખોટી લખી દીધી. તે જોઇને તેણે જ મને કહ્યુ કે હું ડીમેંસિયાનો શિકાર થયો છુ.
કિશોરઃ ખાલી તારીખની ભૂલ પરથી એમણે નિર્ણય પર પણ પહોંચી ગયા.
કલમાડીજીઃ કોણ પહોચી ગયુ?
કિશોરઃ એ જ , તમારા વકીલ.
કલમાડીજીઃ કયાં પહોંચી ગયા?
કિશોરઃ સાહેબ, તમે મારી વાત ના સમજ્યા. તમારી વાતથી તો એમ લાગી રહ્યુ છે કે તમે મરો ઇન્ટરવ્યુ લૈ રહ્યા છો! હું એમ કે'તો હતો કે ચૅક ઉપર ખોટી તારીખ લખવાથી જ વકીલસાહેબે માની લીધુ કે તમે ડિમેંસિયા ના શિકાર થઇ ગયા છો?
કલમાડીજીઃ હાસ્તો, એમ જ તો થયુ. આમ પણ વકીલો કંઇ પણ માની શકે છે અને કંઇ પણ મનાવી શકે છે.
કિશોરઃ એવો કોઇ અન્ય બનાવ કે તેના પરથી એમ લાગે કે તમે ડિમેંસિયા ના શિકાર થઇ ગયા છો.
કલમાડીજીઃ હું તો માનવા તૈયાર જ નો'તો. પણ વકીલે જ મને કહ્યુ કે હમણા બનેલા તાજા પ્રસંગે જ સાબિતી આપી છે કે હું ડિમેંસિયા ના શિકાર થઇ ગયો છું.
કિશોરઃ ક્યો બનાવ?
કલમાડીજીઃ વકીલસાહેબે જ યાદ અપાવ્યુ કે હુ તે દિવસે જેલરની ઑફિસમા બેઠા-બેઠા જે ચા-બિસ્કિટ અને ફરસાણ ખાતો હતો તે પણ ડિમેંસિયા ને કારણે જ થયુ હતુ.
કિશોરઃ એ કેવી રીતે?
કલમાડીજીઃ મારા વકીલનુ માનવુ છે કે ડિમેંસિયા ને કારણે જ તે દિવસે હું જેલરની ઑફિસને મારા ઘરનો દીવાનખંડ માની બેઠો.
કિશોરઃ પરંતુ મારા સાંભળવા મુજબ તમે જેલ મા રહીને જ તમારા એમ.પી. ફંડ નો વપરાશ કરી રહ્યા છો?
કલમાડીજીઃ હા..હા.. તે પરથી પણ મારા વકીલે સાબિત કરી દીધું કે હું સાચ્ચે જ ડિમેંસિયાનો શિકાર થયો છું.
કિશોરઃ એ કેવી રીતે?
કલમાડીજીઃ એક દિવસ વકીલ સાહેબે જ યાદ અપાવરાવ્યુ કે હું સાંસદ પણ છું અને મારુ કાયદેસરનું ભંડોળ પણ છે. અને તે ખરચાવા માટે પડ્યું છે. તેમના યાદ દેવરાવ્યા બાદ કે હું સાંસદ છું, મે પોતે ફંડ ખર્ચ કરવાનુ ચાલુ કર્યુ.
કિશોરઃ પણ મને તો લાગ્યુ કે આ ડિમેંસિયા એ તમારુ નાટક છે, સજાથી બચવા માટેનુ.
કલમાડીજીઃ જુઓ મિસ્ટર અરનબ ગોસ્વામી, તમે મારી ઉપર આવો આરોપ લગાવીને ભૂલ કરી રહ્યા છો. હું તમને ચેતવણી આપુ છુ કે વધારે એક વાર પણ તમે વધારે કંઇ આ વિશે કહ્યુ છે તો હું તમારી અને તમારા ટાઇમ મૅગેઝિન પર ડિફેમેશન(બેઇજ્જતી-માનહાની)નો દાવો કરીશ.
કિશોરઃ સાહેબ, હું અરનબ ગોસ્વામી નથી, હું કિશોર કલમદાર છુ, અને તમને જણાવી દઊં કે  તે ટાઇમ મૅગેઝિન નહી પણ ટાઇમ્સ નાઉ ચેનલ પર કામ કરે છે.
કલમાડીજીઃ અરે જુઓ તો! હું તો સાવ ભૂલી જ ગયો. આ ડિમેંસિયાની જ અસર લાગે છે.
કિશોરઃ શું તમારા વકીલ ને લાગે છે કે તમારી ડિમેંસિયા વાળી વાત ખરેખર મજબૂત લાગે છે?
કલમાડીજીઃ શું મજબૂત લાગે છે?
કિશોરઃ હું પૂછતો હતો કે આ ડિમેંસિયા વાળી વાત તમે અને તમારા વકીલ સાબિત કરી શકશો?
કલમાડીજીઃ હા કેમ નહી વળી? ખરેખર મારી ખરાબ યાદદાશ્ત અને મારા વકીલની મજબૂત યાદ ના  જોરે મારા વકીલ પાછા ૨૦૦૯-૧૦ મા ગયા. અને મને યાદ અપાવરાવ્યુ કે રમતગમત મંડળ ના અધ્યક્ષ પદે હોવા છતા મે સમયસર તૈયારી કરી નહી. ખરેખર હું ભૂલી જતો હતો કે મારે તૈયારી પણ કરવાની છે. પછી તેમણે યાદ અપાવરાવ્યુ કે ઇંડીયન હાઇ કમીશનના ડોક્યુમેંટ ફોર્જ કરવા છતા મે લોકો ને કહ્યુ કે મે પોતે ડોક્યુમેંટ ફોર્જ નથી કર્યા. આ ડિમેંસિયાની જ અસર હતી. પછી તેમણે યાદ અપાવરાવ્યુ કે બધા નિર્ણયો મેં પોતે જ લીધા હતા પરંતુ યાદદશ્ત નબળી હોવાને કારણે મેં દરબારી, મહેન્દ્રુ વગેરેને ફસાવી દીધા. છેલ્લે તેમણે કહ્યુ કે મારી ઉપર ડિમેંસિયાનો કૅસ તો લાગુ પડે છે.
કિશોરઃ એટલે કે તમારી તૈયારી પાકી છે?
કલમાડીજીઃ હા અમારી તરફથી તો પાકી જ છે, ચાલો અરનબ ભાઇ હવે ઇન્ટરવ્યુ પૂરો કરો, મારે હવે ફિલ્મ જોવુ છે. વકીલ આ સી.ડી આપી ગયા છે અને જોવા કહ્યુ છે! હા તમારા ટાઇમ મૅગેઝિન ના જે અંકમા આ છપાય તેની એક નકલ મોકલાવવાનુ ભુલતા નહી.
કિશોરઃ અરે તમને ફરી થી કહુ છું કે હું અરનબ ગોસ્વામી નથી, હું કિશોર કલમદાર છુ, અને તે ટાઇમ મૅગેઝિન નહી પણ ટાઇમ્સ નાઉ ચેનલ પર કામ કરે છે.
કલમાડીજીઃ વકીલ સાહેબનુ કહેવુ યોગ્ય જ છે કે મને હકીકતમા ડિમેંસિયાની જ અસર છે. ઠીક છે હવે તમે જઓ મરે ફિલ્મ જોવી છે.
કિશોરે સી.ડી. હાથમા લઇ ને જોઇ, તે આમીરખાન ની ગજીની પિક્ચરની સી.ડી. હતી. આ બાજુ કલમાડીજી ગજીની એન્જૉય કરવા લાગ્યા અને કિશોર જેલની બહાર.....

THIS IS THE TRANSLATION OF HINDI HUMORIST SHREE SHIVKUMAR MISHRA'S BLOG POST. HIND LANGUAGE LOVERS GET IT ORIGINAL HERE..