બુધવાર, 17 ઑગસ્ટ, 2011

"મારા બાપલિયા! જામીછે હો....


"મારા બાપલિયા! જામીછે હો. નો'તી ધારી કે આ મૅચ આવી થા'હે! એ તઈ સાંભળો મારા ભાયુ. એ ય ને ભગવાને જ્યારે નવરી ઘડી એ બે ઘડીનો વીસામો લઈ ને ઘડ્યો હશે, ત્યારે બન્યો હશે મારો મલક આ ૬૪ જોગણીઓ નો નોખ-નોખા રૂપ જેવો ક્યાંક લીલુડો અને ક્યાંક કેસરિયો, ક્યાંક વીરલાનો અને ક્યાંક વીરાંગનાઓનો. એને કંઈ કેટલાય ગાંધી, સરદાર અને બોઝ જેવાયે પોતાના વીચારોથી એને કોચીંગ આપ્યુ હતુ. ધીમે ધીમે કોણ જાણે કૂદરતનુ કરવુ ને મારી માભોમ ને વિદેશી કૉચની લત લાગી ૨૦૧૧ આવતા આવતા તો  જાણે આભ ફાટ્યુ હોય તેમ ભ્રષ્ટાચારના ભોરીંગે એવો ભરડો લીધો કે પૂછો મા વાત. એલા વા'લીડાવ વાત તો મૅચ ની કોમેન્ટ્ર્રીને હતી ને આપણી ગાડી એ પાટો ફેરવી નાખ્યો. ચાલો પાછા આપણી જૂની મેડી પર.."
"એ ય ને ભારતની ભોમકા પર તે'દી જાણે કુદરત પોતાનો પ્રકોપ વરસાવી રહી છે, ચારે-કોર ભ્રષ્ટાચારએ માઝા મૂકી છે, કઠપૂતળીઓના ખેલમા મનમોહન વડી કઠપૂતળી છે. એના રાજ મા એ ય ને રાજકારણીઓ ને લીલાલ્હેરને પ્રજાને કાળો કેર છે. એવે ટા'ણે એક મૅચ હજી હમણા પુરી થઈ,
 આમ તો અટાણે આ ઇન્ટરનેટીયા જમાનામા અને ચૅનલોના વાવાઝોડામા તમને સવ ભાયુ ને ખબર જ હશે કે થોડા'દી પેલા આ ભારત ની ભોમકા પર એક નવો-સવો કૅપ્ટન પોતાની ટીમ લઈને કુદી પડ્યો. વળી પાછો મરદનો બચ્ચો ખરો, તે 'રાજ' સામે પડ્યો અને કે'છે કે હું તો તમારી નહી પણ ભ્રષ્ટાચાર સામે રમવા માંગુ છું. પણ આ તો ભાઈ ભારતની સરકાર એનુ તો એમ કે ભ્રષ્ટાચાર એટલે અમે જ. પછી તો મંડાણ થ્યા એક નવી ક્રાંતિના! આજ દી સુધી જે મૅચ કોઇએ નો'તી દીઠી તે મૅચ જોવા મળી. પેલા એક પ્રૅક્ટિસ મૅચ નુ આયોજન થયુ. કોઇપણ ખેલૈયા કે પ્રેક્ષકે નો'તુ ધાર્યું કે આ નવો સવો કૅપ્ટન આમ આટલા બધા લોકો નો જુવાળ ઉભો કરી શકશે. પછી તો મૅચ જામી પણ થોડી વારની લડાઈ બાદ સરકાર મૅચને ડ્રૉ ખેંચી ગઈ. દરેક વખતે થાય છે તેમ થઈ ગયુ કુશળ લડવૈયો જેમ રાજનીતિ મા પાછો પડે તેમ આ કૅપ્ટન પણ રાજનીતિ આગળ પાછો પડ્યો. સરકાર પણ આ મૅચના પરીણામથી રાજીના રેડ થઈ ગઈ. અમે તો ભલ-ભલા ચમરબંધીની પણ પરવા નો' કરીએ. અમે કોણ અમે તો ભારતની સરકાર!આવુ તો વીચારવા લાગી સરકાર. પણ આ રાજનીતિના રખેવાળોને ખબર નો'તી કે ખરી મૅચ હજી બાકી છે. પ્રૅક્ટિસ મૅચમા તો સરકારી ટીમે સારી એવી ફટકાબાજી કરી અને એક વાર તો ધોકાધારી ઉપર જ ધોકાવાળી કરી નાંખી'તી. એય ને એમ કરતા-કરતા તો આવી ગઈ ૧૬મી ઑગષ્ટ્ની સવાર...
એયને મીઠા-મધૂરાં પંખીડા ના કલરવ થાતા'તા ને હજી ગઈકાલની ઉજવણીમા મશગૂલ સરકાર ચૂર હતી. એવા ટાણે આ કૅપ્ટને તો પોતાની અગાઉ જાહેર કરેલી નીતિ મુજબ પોતાના કાર્યક્રમ મુજબ આગળ ચલાવ્યુ. સરકારને એમ હતુ કે આગળ જેમ કર્યું હતુ તેવુ કરીને આ વખતે પણ અમે જીતી જઈશુ. ટીમના કૅપ્ટન ઉપર અને ખેલૈયાઓ ઉપર એમણે તો છુટા દડાના ઘા(બાઉન્સર) કર્યા. લાગતુ'તુ કે પેલુ સેશન સરકાર આરામ થી પોતાની બાજુ મા ખેંચી જાશે, પણ લોકો ની હૈયાહોળી અચાનક આગમા પલટાઇ ગઈ. અને કૅપ્ટન ની સાથે તો મારો આખો મલક પોતાના રંગ મૂકીને એક રંગમા રંગાઈ ગયો. કોણ યુવાન અને કોણ ઘરડા, કોણ સ્ત્રીને કોણ પુરુષ, કઈ જાત ને કઈ નાત આ ટોળામા કાંઇ ગોત્યું નો'જડે હો ભાઈ. અડધી સદી પછી લાગ્યુ કે નહી ગાંધી જેવો કોઇ બીજો માનવ થઈ શકે ખરો હોં કે! જ્યારે ટોળુ ભેગુ થાય એટલે શીસ્તના
પાઠ પેલા ભણાવવા પડે. અને કેટકેટલીય શીખામણુંની ગાંઠ્યુ બાંધવી પડે હો મારા ભાયું. પણ કીધુને મારા વાલીડા'વ કે આ તો ગાંધીને પગલે પગ પાડનારો, મારા બાપલિયા સમ ખાવા પુરતુ એક છમકલુય નો થાવા દીધુ આ એની હારે હાલવા વાળાએ હોં કે! પેલા દાવમા તો એવી છકડી ચડાવી કે સરકાર ચક્કરડીએ ચડી કે હવે કેવા દડા નાખવા? પેલા એવો દડો નાખ્યો કે લાગતુ હતુ કે દાંડીયા ડૂલ થઈ જશે પણ કે'છે ને કે મારો રામ રાખે એને કોણ ચાખે? દડા ને એવો તો ધોયો કે આખી સરકાર ફીલ્ડીંગમા હતી તોય દડો પકડવો જાણે કોઇના હાથની
વાત નો'તી. આખો'દી કાઢી નાખ્યો પણ હજી કોઇ એના એક પણ ફટકાને કોઇ પકડી નથી શક્યુ. અને હજી તો આ તો મંગળાચરણ હતુ કથા તો હજી ચાલુ જ નથી થઈ મારા વાલીડા'વ..તઈ થવા દ્યો તમારા ટહુકાવ ટીપ્પણીઓ ના રૂપે કથા આપ્ણે આગળ ચલાવતા રહીશુ...ઍ સૌને રામેરામ!!!

3 ટિપ્પણીઓ: