બુધવાર, 10 એપ્રિલ, 2019

જાણ્યું-અજાણ્યું

ભાર અંકુશનો તો ગજ જાણે,
વેગ વાયુ તણો બસ રજ જાણે,
હોય પ્રેમ ભલે ખૂબ કસાઈ ને,
ઝાટકો ગરદન પર અજ જાણે,
જોર હોય ઘણું ન્હોર વચ્ચે પણ,
દોડ હરણની તો સાવજ જાણે,
લાલ આભ થયું, હોય ઘાયલ-
સૂરજ શાયદ તો ક્ષિતિજ જાણે,
હોય છે વચનો દશરથ ના પણ,
કાળનું મળસકું  રામ જ જાણે,
-નરેશ સાબલપરા

યાર દે કે' પાર લે,

ના ફેર છાતી આમ તું, કાં વાર દે કે' હાર લે
ટંડેલ ના મઝધાર મુક, કાં યાર દે કે' પાર લે,
આશિર્વચન આપો ઈચ્છા રાખું છું, કાયમ અરજ,
મોંઢે ભલે ના શ્રાપ દે, કાં માર દે કે' ખાર લે,
બંદૂક તાકી શામળિયે, પારખાં કરવા મારા,
લે હુંય ઉગામું ખડગ, કાં ઠાર દે કે' ધાર લે
વેંઢારુ લખચોરાસી ફેરા, ને ભજું દિન રાત હું,
ના થઈ શકું અરજણ ભલે,કાં ભાર લે કે' સાર દે,
ના શકુની, નરસૈંયો નથી,માનવ છું તુજ શરણ છું,
પ્રાથું સદા કેશવ તને, કાંધાર લે , કેદાર દે..
- નરેશ સાબલપરા

જીજીવિષા

દાવ હાર્યો તો થયું શું, તક હજી છે, લડવાનો
બાંય ઉતારી છે હામ નહિ હું પાછો ચડવાનો
જામવન ના હોય સંગે, અંગ હોય ભલે નાનું,
પામવા સંજીવની, દ્રોણાગીરી ખોતરવાનો;
કેમ ઉઠાવી નજર? ઔકાત શું ઊડવાની?
તીર તાકો, જાળ બિછાવો હું પંખ પસરવાનો,
નાત ના નામે , ધરમ ના, દેશ ની સરહદ નામે
જેલ પૂરાયો જન્મતા વેંત, તોય છટકવાનો,
પારકા તો અવગણે, આપે નવા ઘા, પોતાના-
વૈદ વેરી ને જખમ જૂનો, મલમ શું કરવાનો?
જોઈએ પરવાનગીઓ તાકવા પ્રીતમ ને પણ,
ચાંદ ને ચાહે ચકોરી, ક્યાં બતાવે પરવાનો!!
-નરેશ સાબલપરા