શનિવાર, 17 સપ્ટેમ્બર, 2011

મારે મન તો મારી આ જ સદ્‍ભાવના!



એ ય ને સવને રામ..રામ..
બધાયને થોડી નવરાઈ મળી છે ને કાંઇ, ખેડુભાયુ ને ખરાળ રે'તી નથી તે સાંતીડા હાલતા નથી.  મારા વાલીડાએ પણ આ વરહે કાંઇ મે'રબાની કરી છે ને કે આખો શ્રાવણિયો એયને ચારે પો'ર સરવડાં આવતા ર'યા ને ભાદરવે પણ તડકી નો નીકળી. સૂરજદાદા ય મૂંઝાતા'તા કે ધરતીમા હવે કે'દિ આ રૂપેરી વાદળ-ચુંદડીની લાજ મુકશે. ધીમી ધારે ઇન્દ્રરાજાએ જાણે સોમરસને છલકાવતા-છલકાવતા સીમને નશો કરાવ્યો. નીંઘલેલી મકાઈને ડોલતાં જોઈને થાય કે સીમ આખી ઇન્દ્રના આ પ્રસાદમાં ડુબી ગઈ છે. જુઓને કેવી મો'લાત્યું ઉભી છે, જાણે કુબેરે પોતાનું રૂપુ કપાસના ઝીંડવે સંતાડ્યુ અને હીરા મેલી દીધા જારને ડૂંડે. ઇ 'તો ભાય મારો વાલીડો એવો રંગારો છે કે એની પીંછીએ રંગેલુ તો બધાને રંગ ચડાવે. જોવોને આપણનેય કેવો રંગ લાગી ગ્યો વાત્યુનો!
મેંય તમને ગ્યા મહિને નો'તુ કીધું કે મેચ્યુ' જામી ગઈ છે. તો જોવોની ભાયુ આ નવી મેચ. આ મેચ પણ જામી ગઈ છે હો..અ હા હા! શું ભવાઈ છે! ના ના નાકના ટેરવા નો ચડાવો આમ, મારી હા'રે તમને મતભેદ હોઈ શકે પણ વાત્યુ કરે જ છૂટકો છે. લવાદ વગર ક્યાં વિવાદ ટળે ક'યો તો? અને બાપલિયા આ તો ગામનો ચોરો. આંયા તો સવને ઠાકોરજીની રજા છે. કોઇ રા'વ કરે ને કોઇ અરજ. આ આપણા ચૂંટેલા ભાઇ નરેન્દ્રજી પણ જોવો ને કેવા અ'પાહની મેચ રમવા મંડ્યા છે. વળી સામે કોઇ ટીમ નો'તી પણ શંકરસિંહ બાપુને એમ કે હું ય છવ તો રમતવીર, તે મારી આબરૂ શું જો જવાબ નો દ'વ તો? તે વગર પૂછ્યે એ'ણેય બૉલિંગ ચાલુ કરી દીધી. પછી તો શું કેવાનુ ર'યે..એક જ વાત યાદ આવે ..
"એ મારે નો'તો પીવોને મને પાયો રે..
કે મધરો દારૂ મેં તો પીધો.." ( ડરશો નહી પ્રિ-ગાંધી યુગનું ગીત છે)

મોદીભાઇને એમ કે આપણે એકલા-એકલા રમીને જીતી જા'શુ અને એય ને વટ પડી જા'હે. એમણે તો સામી ટીમને રમાડવી જ નો'તી પણ પરાણનું થ્યુ. લોકશાહીની આ જ તો રંગત છે ને હેં ક્યો જોઈ? બાકી પેલાના જમાનામાં રાજાને વારનારા બા'રવટે ચડે અને વાત રાખે. રાજ ભાટાઈ સાંભળીને પોરહાઇ ખરુ પ્રજાની રા'વ સાંભળીને રીઝે નહી. તાજો દાખલો તો તમે અન્નાની મૅચ ટાણે જોઇ જ લીધો છે ને? આ મૅચને સદ્‍ભાવના મિશન નામ એક પક્ષકારે આપ્યું. આ ભાવનાની જરૂર તો ખરી હોં કે, બેય છોરૂ બાધતા ર'યે તો મા-બાપને તો કાયમનું રોણુ ર'યે. મોદી ભાઈને દિલથી જો આ ભાવના નીકળી હોય તો બેડોપાર. બાકી શંકરસિંહ બાપુની વાતે તો મને એવુ લાગે'છ કે એણે તો મારી વાડ તારા કરતાં ઉંચી ઇ જ કારણે સામા ઘા કર્યા છે. ચોરે ને પાદરે, શેરીએ ને ગોંદરે બધેય વાત્યુ થાવા માંડી છે આ અ'પાહની. જેટલા મોઢા તેટલી વાત્યુ. પણ આ સમાચારની ચેનલુને એક જ વાત કે'વાની કે બાપલિયાવ ગુજરાત આખુ ૨૦૦૨ને ૨૦૦૨માં જ મુકીને ૨૦૧૧માં આવી ગ્યુ છે, તમેય હવે થોડો પો'રો ખાઇ લ્યોને! નરેન્દ્રભાઈ ને કાળી ટીલ્લી લાગી કે નહી તેનો ચુકાદોય ક્યાં થઈ શક્યો છે? વારેઘડીએ તમે ગુજરાતને ડામ દીધા કર્યા પણ આ ખમીરવંતી જાતને કે મલમ લગાડીને પાછી ભૂલી જાય. અમારે મન પણ એ કાંય સપરમા દિવસો નો'તા, તે'દી એક એક ગુજરાતીએ આંસુડે રૂમાલ લોહીભીના કરયા'તા. અમે તમારા હાથ વાંહામાં ફરશે એમ માનતા'તા અને તમે અમને ગાલે થપ્પડું મારી. હશે તમનેય અમારી ઇર્ષ્યા થઈ હશે કે ભાયુના હાથ ખોઈને તમે કેમ આટલુ મોટુ ચણતર કરી શક્યા? પણ વાલીડાવ તમેય ક્યાં પરાયા છો, આપણે સવ છઈ તો આ ભારતમા ના જ ને, તો હવે હાથના અંકોડા ભીડીને ઉભા રે'જો મારા ભાયુ. આમ અંદરો-અંદર આપણે ખખડતા રે'શુ તો પારકા આવીને પાછા કઈ ડામ દઈ જાશે તે ખબર નઈ પડે. મારે મન તો મારી આ જ સદ્‍ભાવના!
લ્યો તઈ સવને રામે રામ..ફરી ક્યારેક નિરાંતે મજા માણશુ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો