શનિવાર, 5 નવેમ્બર, 2011

પ્રતિગઝલ


બધા જેમ કહે છે તે જ બહાનું છે મારી પાસે 'નિજાનંદ'..'બેફામ'ની કોઇ રચનાને નિજાનંદ માટે પણ છંછેડવી એ માફી લાયક તો ન જ કહેવાય એ ખ્યાલ હોવા છતાં આ ભૂલ થઈ ગઈ..માફ કરજો..મક્તાને મૂળરૂપે રહેવા દીધો છે,...'બેફામ' ના 'મ' ને જો પારખી શકીશ તો મક્તા ના પ્રતિરૂપ પામવા લાયક બની શકીશ એવુ માનવું છે મારું..

માશુકે માંગણીઓ કરી એ પહેલા જ આ લાગણી મેં જલાવી દીધી
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી..

આવશે પૂનમ બની કહ્યું જ્યાં તરત આભને ચાનક ચડી કાજળશી,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા,ને અમે પણ શમાઓ બુઝાવી દીધી

ઉઘડતી આંખના સોણલે નોતર્યા'તા, હજારો વિનવણી કરી કર જોડી
જ્યાં જરા ઊંઘમાં આંખ મીંચાઈ ગઇ, ત્યાં તરત તેગ એણે હુલાવી દીધી.

પારણે લક્ષણ દેખી ડર્યા સૌ,બચ્ચા ને હવે પાંખ ફૂટી હતી ઊંચેરી,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી દીધી..

અડચણો રાહમાં કાયમ મળે ફરક તો જરા એ જ કે એકલો હું ચાલ્યો,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતાવી દીધી..


ક્યા નગરમાં વસ્યો શું ખબર,ચીસ હર એક પડઘાય છે બંધ દરવાજે ને,
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો?’,એને આખી કહાણી સુણાવી દીધી...


કેમ આવા અમે અણસમજુ કે અદાથી મને જો કહ્યુ એમણે 'આ મારું',
સાચવી રાખવાની જે વસ્તુ હતી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી...જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મારી ભલે મેં તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી....

-નરેશ સાબલપરા


થાય સરખામણી તો ઊતરતા છીએ, તે છતાં આબરુંને દીપાવી દીધી,
એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી...

ઘોર અંધાર છે આખી અવની ઉપર, તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી...
આ જગતને અમારૂં જીવન બેઉમાં, જંગ જે કંઈ હતો, જાગૃતિનો હતો,
જ્યાં જરા ઊંઘમાં આંખ મીંચાઈ ગઇ, ત્યાં તરત તેગ એણે હુલાવી દીધી...
બીક એક જ બધાને હતી કે અમે, ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર,
કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાળ રસ્તે બિછાવી દીધી...
કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા, પણ ઊભા રહી અમે કોઈ ને ના નડ્યા,
ખુદ અમે તો ન પહોંચી શક્યા મંઝિલે, વાટ કિંતુ બીજાને બતાવી દીધી...
કોણ જાણે હતી કેવી વર્ષો જૂની, જીંદગીમાં અસર એક તન્હાઈની,
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો?’, એને આખી કહાણી સુણાવી દીધી...
દિલ જવા તો દીધું કોઈના હાથમાં, દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હતી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી...
જીવતાં જે ભરોસો હતો ઈશ પર, એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો,
જાત મારી ભલે મેં તરાવી નહીં, લાશ મારી પરંતુ તરાવી દીધી...
- બરકત વિરાણી 'બેફામ'

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો