મંગળવાર, 27 સપ્ટેમ્બર, 2011

શ્રાવણિયા સરવડા





શ્રાવણિયા વરસતાં સરવડામાં, તમે નીકળ્યા ને હું જોતો હતો;
ભીંજાયેલા પાલવ ને કેશ તણા આશાઓના બિંદુ હું પીતો હતો;

પાણીના ખાબોચિયામાં તમારો ચહેરો ચાંદનીએ રેલાતો હતો;
શું હતી મસ્તી તમારી! અદા! તમે બેફિકરને હું જોતો હતો;

બની વાદળીઓ ખુબ ઘેલી, વીજળીનો લીસોટો લખાતો હતો
થતું હતું, મળીને પૂછું કેમ છો? હૈયાની હા છતાં હું બીતો હતો;

શું તારે જરૂર ચમકવાની વીજળી, એક સવાલ ગૂંજતો હતો,
કે જ્યારે તમારા તેજ નો લીસોટો થતો ને હું બૂઝાતો હતો...

-ભીખુભાઇ સાબલપરા 'બિરજુ'


શનિવાર, 17 સપ્ટેમ્બર, 2011

મારે મન તો મારી આ જ સદ્‍ભાવના!



એ ય ને સવને રામ..રામ..
બધાયને થોડી નવરાઈ મળી છે ને કાંઇ, ખેડુભાયુ ને ખરાળ રે'તી નથી તે સાંતીડા હાલતા નથી.  મારા વાલીડાએ પણ આ વરહે કાંઇ મે'રબાની કરી છે ને કે આખો શ્રાવણિયો એયને ચારે પો'ર સરવડાં આવતા ર'યા ને ભાદરવે પણ તડકી નો નીકળી. સૂરજદાદા ય મૂંઝાતા'તા કે ધરતીમા હવે કે'દિ આ રૂપેરી વાદળ-ચુંદડીની લાજ મુકશે. ધીમી ધારે ઇન્દ્રરાજાએ જાણે સોમરસને છલકાવતા-છલકાવતા સીમને નશો કરાવ્યો. નીંઘલેલી મકાઈને ડોલતાં જોઈને થાય કે સીમ આખી ઇન્દ્રના આ પ્રસાદમાં ડુબી ગઈ છે. જુઓને કેવી મો'લાત્યું ઉભી છે, જાણે કુબેરે પોતાનું રૂપુ કપાસના ઝીંડવે સંતાડ્યુ અને હીરા મેલી દીધા જારને ડૂંડે. ઇ 'તો ભાય મારો વાલીડો એવો રંગારો છે કે એની પીંછીએ રંગેલુ તો બધાને રંગ ચડાવે. જોવોને આપણનેય કેવો રંગ લાગી ગ્યો વાત્યુનો!
મેંય તમને ગ્યા મહિને નો'તુ કીધું કે મેચ્યુ' જામી ગઈ છે. તો જોવોની ભાયુ આ નવી મેચ. આ મેચ પણ જામી ગઈ છે હો..અ હા હા! શું ભવાઈ છે! ના ના નાકના ટેરવા નો ચડાવો આમ, મારી હા'રે તમને મતભેદ હોઈ શકે પણ વાત્યુ કરે જ છૂટકો છે. લવાદ વગર ક્યાં વિવાદ ટળે ક'યો તો? અને બાપલિયા આ તો ગામનો ચોરો. આંયા તો સવને ઠાકોરજીની રજા છે. કોઇ રા'વ કરે ને કોઇ અરજ. આ આપણા ચૂંટેલા ભાઇ નરેન્દ્રજી પણ જોવો ને કેવા અ'પાહની મેચ રમવા મંડ્યા છે. વળી સામે કોઇ ટીમ નો'તી પણ શંકરસિંહ બાપુને એમ કે હું ય છવ તો રમતવીર, તે મારી આબરૂ શું જો જવાબ નો દ'વ તો? તે વગર પૂછ્યે એ'ણેય બૉલિંગ ચાલુ કરી દીધી. પછી તો શું કેવાનુ ર'યે..એક જ વાત યાદ આવે ..
"એ મારે નો'તો પીવોને મને પાયો રે..
કે મધરો દારૂ મેં તો પીધો.." ( ડરશો નહી પ્રિ-ગાંધી યુગનું ગીત છે)

મોદીભાઇને એમ કે આપણે એકલા-એકલા રમીને જીતી જા'શુ અને એય ને વટ પડી જા'હે. એમણે તો સામી ટીમને રમાડવી જ નો'તી પણ પરાણનું થ્યુ. લોકશાહીની આ જ તો રંગત છે ને હેં ક્યો જોઈ? બાકી પેલાના જમાનામાં રાજાને વારનારા બા'રવટે ચડે અને વાત રાખે. રાજ ભાટાઈ સાંભળીને પોરહાઇ ખરુ પ્રજાની રા'વ સાંભળીને રીઝે નહી. તાજો દાખલો તો તમે અન્નાની મૅચ ટાણે જોઇ જ લીધો છે ને? આ મૅચને સદ્‍ભાવના મિશન નામ એક પક્ષકારે આપ્યું. આ ભાવનાની જરૂર તો ખરી હોં કે, બેય છોરૂ બાધતા ર'યે તો મા-બાપને તો કાયમનું રોણુ ર'યે. મોદી ભાઈને દિલથી જો આ ભાવના નીકળી હોય તો બેડોપાર. બાકી શંકરસિંહ બાપુની વાતે તો મને એવુ લાગે'છ કે એણે તો મારી વાડ તારા કરતાં ઉંચી ઇ જ કારણે સામા ઘા કર્યા છે. ચોરે ને પાદરે, શેરીએ ને ગોંદરે બધેય વાત્યુ થાવા માંડી છે આ અ'પાહની. જેટલા મોઢા તેટલી વાત્યુ. પણ આ સમાચારની ચેનલુને એક જ વાત કે'વાની કે બાપલિયાવ ગુજરાત આખુ ૨૦૦૨ને ૨૦૦૨માં જ મુકીને ૨૦૧૧માં આવી ગ્યુ છે, તમેય હવે થોડો પો'રો ખાઇ લ્યોને! નરેન્દ્રભાઈ ને કાળી ટીલ્લી લાગી કે નહી તેનો ચુકાદોય ક્યાં થઈ શક્યો છે? વારેઘડીએ તમે ગુજરાતને ડામ દીધા કર્યા પણ આ ખમીરવંતી જાતને કે મલમ લગાડીને પાછી ભૂલી જાય. અમારે મન પણ એ કાંય સપરમા દિવસો નો'તા, તે'દી એક એક ગુજરાતીએ આંસુડે રૂમાલ લોહીભીના કરયા'તા. અમે તમારા હાથ વાંહામાં ફરશે એમ માનતા'તા અને તમે અમને ગાલે થપ્પડું મારી. હશે તમનેય અમારી ઇર્ષ્યા થઈ હશે કે ભાયુના હાથ ખોઈને તમે કેમ આટલુ મોટુ ચણતર કરી શક્યા? પણ વાલીડાવ તમેય ક્યાં પરાયા છો, આપણે સવ છઈ તો આ ભારતમા ના જ ને, તો હવે હાથના અંકોડા ભીડીને ઉભા રે'જો મારા ભાયુ. આમ અંદરો-અંદર આપણે ખખડતા રે'શુ તો પારકા આવીને પાછા કઈ ડામ દઈ જાશે તે ખબર નઈ પડે. મારે મન તો મારી આ જ સદ્‍ભાવના!
લ્યો તઈ સવને રામે રામ..ફરી ક્યારેક નિરાંતે મજા માણશુ.

મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2011

પ્રેમનું બીજગણિત


પ્રેમ ચલ કે અચલ? ચલો ગણીએ પ્રેમનું બીજગણિત,
લપસણી આ પગદંડી છે, થયા ઘણા આમાં ભ્રમિત,
પૂછો તો ભ્રમરને રૂપ લલચાવે કે ખુશ્બો બહેકાવે છે?
કેમ તું ફરે આમ ડાળી-ડાળી થઈ ને ઘણો વિચલીત,
જોઇ ચંદાને રોજ અલગ રૂપે ચકોર કેમ ચાહે છે?
હશે ચાંદમાં કંઇ કે નહી મળતો હોય બીજો મનમીત,
છે રાધાગોરી પાસ તોય કાનુડો કેમ રચે રાસ?
થાય છે એક પદ નો વિચ્છેદ અહીં પણ ખંડિત,
જાનકીને જાણે સર્વસ્વ, રામની તે કેવી લીલા?
ઘણા મથી રહ્યા છે ભેદ જાણવા પોથીપંડિત,
માંડો તમે જવાબ આનો,ત્રીપદી કે વિપતિ?
થયો છે નાપાસ 'નરેશ', અઘરું બીજગણિત..

શનિવાર, 10 સપ્ટેમ્બર, 2011

સનમ



પેદા થયો છું ઢુંઢવા તુને સનમ,
ઉમર ગુજારી ઢુંઢતા તને સનમ,
યારી-ગુલામી શું કરુ તારી સનમ,
ગાલે ચુમુ કે પાનીએ તને સનમ!..

તું આવતા જિગર મારૂ ભરે,
જતાં શું શુ કરી રોકું સનમ?
તું ઇશક છે મહેરબાની કે રહમ સનમ,
હસતાં ઝરે મોતી લબેં સનમ...

મેંદી કદમની પૂરી જોઇ ના કદી,
આવી આવી, એમ શું થતી સનમ,
તારી ફૂલની સવારી છે સનમ,
બની ભમરો શોધું નિશાન સનમ...

તું માફ કર, દિલદાર દેવાદાર છું,
છે માફ દેવાદારને? મારા સનમ!
જાણે વીંટળાઇ જુલ્ફમાં છુપી રહું,
તાકત દિદારમાં રહેતી સનમ..

જોઇ તને આંજી આંખે ચોપાસ,
હવે ફોડી દઊ આંખને સનમ,
છે દિલ્લગીનો શોખ તને કે નહી?
તો આવ,કાં આવી બોલ સનમ?..

જિગરની ચાદર તને ખુંચે નક્કી,
કોને બિછાને તું સદા પોઢે સનમ?
આપું જિગર તોય દિલ તારુ રીઝે નહી,
વ્યથા 'બિરજુ'ની, તારી નહી સનમ..

-ભીખુભાઇ સાબલપરા 'બિરજુ'



સોમવાર, 5 સપ્ટેમ્બર, 2011

તારામાં હું....


તારામાં હું....

બને જો તું શમા તો આગિયો બનુ હું,
કરૂ સમર્પણ જાતને મારી, વીરમુ તારામાં હું;
બને જો તુ સાકી તો શરાબ બનુ હું,
ભરુ જિગર તારુ, સમાઉ તારામાં હું;
બને જો તુ મૃગજળ તો હરણ બનુ હું,
દોડું પામવા તને, તરસ્યો તારામાં હું;
બને જો તુ ઝીલ તો ઝરણું બનુ હું,
ખેલતો કૂદતો ફરુ, નાદ તારામાં હું;
કરીશ એક અવાજ તો પડઘો બનુ હું,
પડઘાથી પડઘા ને શમાવુ તારામાં હું;
હજુ પણ હોંશ ઘણાં કે શું બનુ હું,
કદર ક્યાં છે તને, છતાં તારામાં હું...

-ભીખુભાઈ સાબલપરા 'બીરજુ'

શુક્રવાર, 2 સપ્ટેમ્બર, 2011

મીંચાય નહીં જે નયન..



મીંચાય નહીં જે નયન એ એક દિવસ મીંચાઇ જશે,
હંમેશ રહેતી કોઇની કોરી પાંપણ ભીંજાઇ જશે;
આ ઢોંગી જમાનો મને ભાસ કરાવે છે એવો,
દ્રષ્ટિની સકલ સૃષ્ટિ વિંખાઇ જશે, પીંખાઇ જશે;
જોવા ચાહો જો દૂનિયામાં તો ઘણું જોવાઇ જશે,
નહીં તો સાંજ-સવારમાં જ નજર અટવાઈ જશે;
એય દિલ અગરતું દૂનિયાના દુખ-દર્દ થકી ટેવાઇ જશે,
તો દુખનું તને દુખ નહી લાગે, દર્દમાંય સદા મલકાઇ જશે;
હે દર્દ વ્યથા આવ્યા છો તો જીવનમાં સાથીદાર બનો,
હું લાડ એવા લડાવીશ કે ઉત્પાદક પણ અક્ળાઇ જશે;
એ ગયા દિવસ-મહિના-વરસ, સ્વપ્ન સુખના જોતો હતો,
આજ નામ ખુશીનુ સુણી 'બીરજુ' તો હવે અકળાઇ જશે,


આ વાત છુપી આ દર્દ છુપું ને હાસ્ય સમજાય તો શું?
જો આપનું સાચુ સ્મિત મળે તો જીવન પલટાઈ જશે,
એકેક કળી મારા ઉરની મલ્કાઇ જશે, હરખાઇ જશે;
જો ગીત મધૂરાં છેડો તો મદમસ્ત હવા લહેરાઇ જશે,
ને ઝુલ્ફ વીખેરી બેઠાં તો ઘનઘોર ઘટા પથરાઇ જશે;
આ મારા ખ્યાલો કાવ્ય બનીને ઘર-ઘરમાં વેચાઇ જશે,
અદ્ર્શ્ય જગે જન્મેલ ઝરણું સાગરરૂપે પથરાઇ જશે;
નયનોની પરિભાષામાં તમે સમજો તો બધુ સમજાઇ જશે;
આ આર્ત હ્ર્દયની વાતો છે'બીરજુ' ભુલથી પણ ચર્ચાઇ જશે,
જો તમે હોઠ્ને સીવી લેશો તો આંખથી ઉચ્ચારાઇ જશે;
-ભીખુભાઇ સાબલપરા 'બીરજુ'

મારા પપ્પાનુ ભણતર સાત ચોપડી, વાંચનમાં ગામની લાઇબ્રેરીનુ દરેક પુસ્તક.દરેક પુત્રને  જેમ લાગે તેમ તે મારા હીરો છે..તેમને લખવાનો શોખ ઘણો એટલે વીચારોને કાગળ પર ટપકાવ્યા કરે. તેમની જ એક નોંધમાથી આ મળી આવ્યું. નથી આ ગઝલ કે છંદોબધ્ધ રચના પણ વીચારો નો આલાપ છે. મને થયુ કે મિત્રો સાથે માણવા જેવુ ખરું...