મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

ગામનુ પાદર..એક દિનચર્યા


ગામનુ પાદર..એક દિનચર્યા

        એકધારા ટહટહિયા પછી શ્રાવણિયો મેહ હવે પો'રો ખાવા રોકાયો છે. ગામના સૌ લોક પોત-પોતાની નવરાઇ માણી ને પાછા કામ પર લાગી ગયા છે. કોઇ ગાડામા તો કોઇ પગપાળા ખંભે ઓજાર લઈને ચાલી નીકળ્યા છે. ગામનુ પાદર એક બાળકની આંખમા રમતા વિધ-વિધ રંગ જેવું દેખાય છે. ધીમે ધીમે સવિતાનારાયણ પોતાની તડકીને કઠોર રૂપ આપવા મથી રહ્યાં છે અને વાદળા સાથે બાથે ભીડાણા છે. દક્ષિણ સીમમાંથી ગામનું ધણ હંકારતા ભરવાડના ડચકારા હજી ધીમા સંભળાય છે. પાદરના આથમણા ખુણે શિવાલયમાંથી ગોરબાપાના મુખેથી  શિવમહિમ્નસ્ત્રોતની સૂક્તિનો ઘેરો   નાદ સંભળાય છે.  બાજુમા ઉભેલા બજરંગીની દેરી નવી ઉર્જાનો સંચાર કરી રહી છે. ઉગમણી દિશાથી નદીના પાણીનો કલબલાટ પીપર ઉપર બેઠેલા પંખીડાઓના ઘુઘવાટમા મળીને સુંદર સંગીત રેલાવી રહ્યો છે.   ઓતરા'દી નિશાળમાંથી ભુલકાઓનો પહાડાઓનો પાઠ બધાની સાથે પોતાનો તાલ મિલાવવા મહેનત કરી રહ્યો છે. પાદરની વચ્ચે આવેલો હવાડો ભરપૂર ભરેલો હોવા છતાં પશુ માટે પોતે અતૃપ્ત જણાય છે. વર્ષોથી સંત થઈને છાયાશિષ આપતો લીમડો નવા કલેવર ધારણ કરી પવન ભેગો પોતાની ધીરજ ખોઇ રહ્યો છે. પાદરના બીજા બે-ચાર અટુલાં ઉભેલા વૃક્ષો પણ તે સંતના સંઘમા જોડાયા છે. એક ખુણે ઉભેલો પાણીનો  ટાંકો છેલ્લા થોડા વર્ષોથી પનિહારીઓની પંચાત સાંભળવા અધીરો છે, પણ દિવસ આખામા હવે એકલ-દોકલ પનિહારી જ તેની નજીક ફરકે છે. ઉત્તર થી દક્ષિણ પથરાયેલા ફણીધર જેવી ડામરની સડક પર એકેય લોખંડી જીવડુ દેખાતુ નથી. બે-ચાર કુતરાં હજી થાક્વાની મહેનત કરતાં વડલા નીચે રમી રહ્યા છે. ગ્રામ પંચાયતનુ મકાન કોઇ આવીને ગામની લોકશાહીનુ તાળું ખોલે તેની રાહ જોઇ રહ્યું છે. બે ચાર પાનના ગલ્લાવાળા ટી.વી.ની ચેનલો ફોળી ને નવરાઇને મનોરંજક કરવા મથી રહ્યા છે. કાછીડાની બૂમ ઘણીવાર નવરાઇને લીલી કરતી સંભળાય છે. સમયપત્રકને અનુસરવા સરજાયેલી એસ.ટી.ને બે-ત્રણ બસો રસ્તાની હાલતપ્રમાણે હંમેશા વર્તાવ કરે છે. એ જ્યારે પણ આવે પાદરની બધી આંખો એને તાકે છે અને શોધવા મથે છે કોણ અને શા માટે? થોડીવાર ની ઘરેરાટી પછી બધું લગભગ પુર્વવત થઈ જાય છે.  પણ સૌથી વધુ સમૃધ્ધ તો લીમડાના ઓટે બેઠેલુ વૃધ્ધ મંડળ છે. દરરોજ ગામની વચ્ચે આવીને ગોષ્ઠી કરતં આ મંડળ ગલ્લેથી ફક્ત છાપાંનુ ચોપાનિયુ લેવાની ગ્રાહકાઇ કરે છે. છાપું લઈને એકાદ જણ બધાને વાંચી સંભળાવે અને પછી શરુ થાય બેઠા-બેઠા જગતયાત્રા. પાછલી જિંદગીનો ખજાનો ખોલીને ઘણી વાર તેણે ગામના જુવાનિયાઓને સમૃધ્ધ કરવાની કોશેશ કરી છે. ઘણીવાર જુવાનિયા પાસેથી પોતે નવી દૂનિયાની સાથે તાલ મિલાવવાની તૈયારી પણ કરી છે. બપોરે જ્યારે નિશાળની છુટ્ટી થાય છે, ત્યારે અહીં આ નરસૈયાની ભજનાવલિ કલાપીના કેકારવ સાથે મળીને ઘરે બપોરા કરવા હાલી નિકળે છે.રોજિંદી થતી સવારની આ પ્રક્રિયામાં વાર-તહેવારે અને ક્યારેક મૃત્યુનો મલાજો પાળવા માટે જ ખલેલ પડે છે. શિયાળે થોડી આ સવાર ધ્રુજે છે તો ઉનાળે થોડી અક્ળાતી દેખાય છે.
      બપોરના સમયે તો બધાને વિસામાની જરૂર હોય તો પાદરને કેમ નહી? પાદર પણ અટૂલું પડતાં જ આરામ ફરમાવવા લાગે છે. નિર્જીવતાની વચ્ચે બે-ચાર રેઢિયાર ઢોર અને રખડતાં કૂતરાંમાં જાણે એ પોતાની આત્માની ખોજ કરવા તપ કરતું હોય તેમ લાગે છે. બપોરે તે પોતાની ઉંમરમાં પરિપકવ થયેલું લાગે છે. ઝાડના ઓટા ઉપર કોઇ માંગણ કે સાધુ મહાત્મા ક્યારેક પો'રો ખાતા તેના તપમા ભગીદાર થાય છે. હા, ઉનાળે સીમથી પરવારેલા જુવાનિયાઓના ગંજીપાની રમતો તેના આ તપમાં વિક્ષેપ કરતાં દેખાય છે. તેના તપમાં મળેલા સાથ નો હરખ-ધોકો કરતું નથી. ક્યારેક કોઇ ઝાડની છાયામાં વિચરતી જાતિનું કુટુંબ પણ તેના વૈરાગીપણામાં પોતાનાપણાનો અનુભવ કરવા રોકાઈ જાય છે. બપોરના સમયે ગામનુ પાદર સંપૂર્ણપણે આત્મલીન થઈ જાય છે, જાણે તપના પાઠ ભણાવીને કહેતું ન હોય કે આત્મખોજને એકલતાની જરૂર હોય છે.
      દિવસની આથમતી ઉંમરે તેમા થોડી ચહેલ પહેલ વધતી જાય છે. ગામમા પાછા ફરતા ધણ અને ગાડા હરીફાઇમા ઉતરે છે. ગલ્લાની દા'ડીમા સાંજ ઢુકડી આવતાં થોડો વધારો થાય છે. નિશાળ શાંત થતાં શેરીઓ ગૂંજી ઉઠે છે. લુહારના હથોડાનો રણકાર અને પાડરુનો રણકાર બન્ને સાથ મેળવીને દોડવા માંડે છે. ગોધૂલિની રજોટ સંધ્યાના રંગોમાં થોડી ઝાંખપ ભેળવે છે. મહાદેવની આરતિની તપશ અને ઝાલરની ધૂન તેમા નવયૌવન પુરે છે. સાંજ સમયે પાદર એક યુવાનની અધીરાઈ જેવુ છલકાય છે. ભરવાડના ગાડરિયાવાઘ અને ધણ ભેગા મળીને એક મેળો રચી દે છે. સીમમાંથી પાછા ફરતાં ટ્રેક્ટર આ મેળામા પોતાના રસ્તો શોધવા મથે છે. પંખીડાઓ ઝાડવાને વાચા આપી દે છે, અને ડાળીઓ પણ એક્બીજાને મળવા પવનનો સાથ મળતા સખીમંડળ જેવો ઘુઘવાટ કરવા માંડે છે. રસ્તાઓ ફણીધરને કાકરીચાળો કરતાં જેમ સળવળે તેમ ઉભરાવા લાગે છે. વચ્ચે-વચ્ચે કોઇ સાઇકલ અને મોટરસાઇકલ મૂંગી-મૂંગી ઘરેરાટી કરી જાય છે. સૌની જેમ પાદરને પણ ઉતાવળના ઓરતાં જાગ્યા હોય તેવુ વાતાવરણ જોવા મળે છે,પણ તેમા અધીરાઇ કરતાં નજરે દેખતાં લક્ષ્ય સુધી પહોંચવાની ખુશી વરતાઇ છે. પાદરનુ કાયમી સાથીદાર પેલું વૃધ્ધમંડળ હવે કોઇ ભૂલકાંની આંગળીએ તો કોઇ ઝાલરના રણકારે ખેંચાઇને જુના ભેરુને રાતવિસામો કરવા મૂકી જાય છે. ધીમે-ધીમે તિમિરધોધ પાદરને નવરાવીને તેનો દિવસભરનો થાક ઉતારવાનુ શરુ કરે છે.
      વીજળીના થાંભલે બે-ત્રણ પલકારા કરીને ટ્યુબ-લાઇટ રૂપી આંખે પાદર પોતાના નવા રૂપને જોવાની મથામણ કરવા લાગે છે. હવે ગલ્લાપર ભીડ જામવા લાગી છે.આધેડ અને જુવાનિયા મળીને દિવસભરની દબાવેલી બધી તલબો પૂરી કરવા તલપાપડ થયા છે. ઝાડવાની નીચે આછા અજવાળામા ત્રણ-ચાર ટોળા અલગ અલગ ધૂંધવાયેલા જોવા મળે છે. ઝાડવા પણ તેમના ધૂમાડાથી અક્ળાયને ક્યારેક થોડી હણહણાટી કરીને પાછા ઊંઘી જાય છે. દરેક ઝાડ અત્યારે રાતરાણીના રસાલાના ઘોડા જેવુ ભાસે છે. ધીમે-ધીમે તેની નીચે એકઠી થયેલી ટોળી વીખેરાયને ત્યાં નિરવ શાંતિ પથરાય છે. થોડી વાર પાદર પોતાનુ આ વિરાગી જીવન જોઈને પોતે પણ ઝંપી જાય છે. હવે ક્યારેક દૂરથી શિયાળની લાળી તો ક્યારેક ચીબરીનો ચિત્કાર સંભળાય છે. પાદરને આ અવાજો થોડુ પડખું ફેરવીને સુવાની સગવડ કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો