બુધવાર, 10 એપ્રિલ, 2019

જાણ્યું-અજાણ્યું

ભાર અંકુશનો તો ગજ જાણે,
વેગ વાયુ તણો બસ રજ જાણે,
હોય પ્રેમ ભલે ખૂબ કસાઈ ને,
ઝાટકો ગરદન પર અજ જાણે,
જોર હોય ઘણું ન્હોર વચ્ચે પણ,
દોડ હરણની તો સાવજ જાણે,
લાલ આભ થયું, હોય ઘાયલ-
સૂરજ શાયદ તો ક્ષિતિજ જાણે,
હોય છે વચનો દશરથ ના પણ,
કાળનું મળસકું  રામ જ જાણે,
-નરેશ સાબલપરા

યાર દે કે' પાર લે,

ના ફેર છાતી આમ તું, કાં વાર દે કે' હાર લે
ટંડેલ ના મઝધાર મુક, કાં યાર દે કે' પાર લે,
આશિર્વચન આપો ઈચ્છા રાખું છું, કાયમ અરજ,
મોંઢે ભલે ના શ્રાપ દે, કાં માર દે કે' ખાર લે,
બંદૂક તાકી શામળિયે, પારખાં કરવા મારા,
લે હુંય ઉગામું ખડગ, કાં ઠાર દે કે' ધાર લે
વેંઢારુ લખચોરાસી ફેરા, ને ભજું દિન રાત હું,
ના થઈ શકું અરજણ ભલે,કાં ભાર લે કે' સાર દે,
ના શકુની, નરસૈંયો નથી,માનવ છું તુજ શરણ છું,
પ્રાથું સદા કેશવ તને, કાંધાર લે , કેદાર દે..
- નરેશ સાબલપરા

જીજીવિષા

દાવ હાર્યો તો થયું શું, તક હજી છે, લડવાનો
બાંય ઉતારી છે હામ નહિ હું પાછો ચડવાનો
જામવન ના હોય સંગે, અંગ હોય ભલે નાનું,
પામવા સંજીવની, દ્રોણાગીરી ખોતરવાનો;
કેમ ઉઠાવી નજર? ઔકાત શું ઊડવાની?
તીર તાકો, જાળ બિછાવો હું પંખ પસરવાનો,
નાત ના નામે , ધરમ ના, દેશ ની સરહદ નામે
જેલ પૂરાયો જન્મતા વેંત, તોય છટકવાનો,
પારકા તો અવગણે, આપે નવા ઘા, પોતાના-
વૈદ વેરી ને જખમ જૂનો, મલમ શું કરવાનો?
જોઈએ પરવાનગીઓ તાકવા પ્રીતમ ને પણ,
ચાંદ ને ચાહે ચકોરી, ક્યાં બતાવે પરવાનો!!
-નરેશ સાબલપરા

સોમવાર, 19 ડિસેમ્બર, 2011

કલમ-પરશુ


વેલ બનીને હું વિકસું છું,
આ ધરતીકાંધે કણસું છું,

પાંખ જડી ના વાદળની પણ,
શ્રાવણ શરમાવી વરસું છું,

હા, દરિયામાં હું ધરબાયો!
કો' મરજીવા કર તરસું છું,

નાટકનો મેં વેશ ધર્યો છે,
ના સમજો જોગી, જડસું છું,

હેં! કલમે કીધું મુજને શું?
જાળવતો લખજે, પરશુ છું...

-નરેશ સાબલપરા

ગુરુવાર, 15 ડિસેમ્બર, 2011

કરમ કર સદા આશ ફળની છોડીને..


પ્રયાસો કરીનેય પામી ના શકતો,
ફરેબો કરીનેય ફાવી ના શકતો,

જરા હુંય નખરા કરું રીઝવવાને,
સનમને સ્વપ્ને પણ સતાવી ના શકતો,

સમી સાંજ માં મીંચતો આંખલડીને,
સવારેય સ્વપ્ન એક વાવી ના શકતો,

બધી લાગણીઓ તમારી થરથરતી,
હું મજબૂર કેવો તપાવી ના શકતો,

મને છીપ પણ હાથ ના લાગ્યાં દરિયે,
છતાં આશ રત્નની શમાવી ના શકતો,

'કરમ કર સદા આશ ફળની છોડીને',
ખબર તોય લાલચ દબાવી ના શકતો..
-નરેશ સાબલપરા

મંગળવાર, 13 ડિસેમ્બર, 2011

હાથ ખાલી આ બતાવી દંગ રાખું...



સૈન્ય શરણાગત થયું તો શું હજીયે જંગ રાખું,
હાથ છો બંધાય, કરતબથી જગતને દંગ રાખું,

લાગણીની ખેંચતાણોમાં થયું છે દિલ નરમ ને,
તોય તારા આખરી એ ઘાવ સહવા તંગ રાખું,

જીંદગાનીએ ચિત્રો ટાંગેલ પડછાયા સરીખા,
આપણાં સંગાથના લીલોતરાં ફક્ત રંગ રાખું,

મીટ બાંધીને ભલે ઊભા બધા આ આંગણે પણ,
થાય એવું હાથ ખાલી આ બતાવી દંગ રાખું...

-નરેશ સાબલપરા

મંગળવાર, 29 નવેમ્બર, 2011

ગઝલ-"વારતા"


શ્વાસની જલદ એવી સફર હતી,
વાયરો સળગશે ક્યાં ખબર હતી?

ઝાંઝવા પણ સરોવર મહીં મળ્યા,
પાળ બે એકલી તરબતર હતી,

હરઘડી સાચવ્યા ટોટકા ઘણા,
ખુદ મારી જ બૂરી નજર હતી,

ચોઘડીયા શુકનવંત પણ કિસ્મત?
એ મળ્યા તે ઘડી પણ કફર હતી,


વારતા છો ખુશી થી પતે બધી,
રહી અધૂરી ભલે મર્મ સભર હતી,


ગુરુવાર, 10 નવેમ્બર, 2011

બંદા


સિયામિઝ ટ્વીન્સ
બે ધડ-બે મન - એક વિચાર


બે પ્યાલા પીધા ગઝલે ને, ચંદા પણ એવા ખીલ્યા છે
મદ ઊતાર્યો આ ગઝલે ને, બંદા પણ એવા ખીલ્યા છે

નાતો ના કો' ગઝલે તો પણ ,દઈ તારા ગણવાનું ઓઠું,
દોડ્યો દિલ ચીંધ્યા મઝલે ને! ફંદા પણ એવા ખીલ્યા છે,

 કવિ ટેટો કુમળો, અટવાયો,કોશેટો કરમાશે જાણી,
ગઝલો નીતરતી વડલે ને,કંદા પણ એવા ખીલ્યા છે,

 ટીકાકારોની બેધારી ,અણઘડ થારે* શબ્દથડ વેર્યુ,
ગઝલોની ગાંઠ્યુ ઉકલે ને,રંધા પણ એવા ખીલ્યા છે,

 ક્યાં ભેળી આવે છે છેલ્લે, નફરત તોટો, પ્રેમે સરભર,
 ચાલ્યો બાંધી  સત્ત્વ ગઝલે ને,ધંધા પણ એવા ખીલ્યા છે...

એક ધડ- એક મન- એક વિચાર


બે પ્યાલા પીધા ગઝલે ને,
મદ ઊતાર્યો આ ગઝલે ને,

નાતો ના કો' ગઝલે તો પણ ,
દોડ્યો દિલ ચીંધ્યા મઝલે ને! 

 કવિ ટેટો કુમળો, અટવાયો,
ગઝલો નીતરતી વડલે ને, 

 ટીકાકારોની બેધારી ,
ગઝલોની ગાંઠ્યુ ઉકલે ને,

 ક્યાં ભેળી આવે છે છેલ્લે,
 ચાલ્યો બાંધી  સત્ત્વ ગઝલે ને...

બીજુ ધડ-બીજુ મન- એ જ વિચાર


ચંદા પણ એવા ખીલ્યા છે
બંદા પણ એવા ખીલ્યા છે

દઈ તારા ગણવાનું ઓઠું,
ફંદા પણ એવા ખીલ્યા છે,

કોશેટો કરમાશે જાણી,
કંદા પણ એવા ખીલ્યા છે,

અણઘડ થારે* શબ્દથડ વેર્યુ,
રંધા પણ એવા ખીલ્યા છે,

નફરત તોટો, પ્રેમે સરભર,
ધંધા પણ એવા ખીલ્યા છે.
-નરેશ સાબલપરા


*થાર= સુથાર


મંગળવાર, 8 નવેમ્બર, 2011

લ્હાય


એવી આભડી છે યાદ, વળગી ભૂલવાની લ્હાય,
આપી દે દવા એવી જ, ભાંગે ભૂલવાની લ્હાય,

ના ચુંબન તણી હો ભેટ,ના મીઠી નજર,આ રીત?
દેહે ક્યાં જળો ચોંટે, જિગરને ચૂસવાની લ્હાય,

નડતર છે મને મીંઢા પહાણા, તણખલાંની રાવ,
ઝાકળનેય ઉપડી પથ્થરને ઓગાળવાની લ્હાય,

દોડીને હરણ થાકે, ન પામે તોય એ દોડે જ,
જો એ થોભ્યું ને હાંફે હવે આ ઝાંઝવાની લ્હાય,

જાણ્યો તો નિખાલસ શેઠ શામળિયો,ઉગારે છે જ,
પણ તેનેય લાગી છે હવે  ભક્ત પરખવાની લ્હાય...

-નરેશ સાબલપરા 


મુક્તઝિબ બહેર -ગાગાગાલ


તારો બોલ-૨


પાણી ગયુ તાણી બોલ,
કાલે કર્યો તેં જુઠ્ઠો કોલ,
તમરુ લવી કાંઇ સાજ,
હાંસી કરે મારી આજ,

આજે એકલી છે છાંય,
જગમાં અન્ય ના દેખાય,
બીજે કર્યો ત્યારે વાસ,
ને મેં ત્યજી તારી આશ,

સુકુ થઈ ચુક્યુ ઘાસ,
મોતી નથી એકે પાસ,
પંખી ફર્યુ છે આકાશ,
રે! હું પડ્યો છું ઉદાસ,



મેં તો કરી હતી પહેલ,
આશાએ ચણવા મહેલ,
પંખીના કુણા દિલમાં ફાંસ ,
સાચા પ્રેમનો છે વાસ,


જુનુ પુષ્પ, જુઠ્ઠી વાસ,
જુઠ્ઠો પ્રેમનો આ વિશ્વાસ,
સાચો એક આ નિશ્વાસ,
જે છે હજી મારી પાસ,

હજુ સમરુ છું દિનરાત,
મુકુ જ્યારે છુપો નિઃશ્વાસ,
પંખી રખે ને દુભાય,
માળો મુકી ઉડી જાય,

ઉડીને રખે જુદા થાય,
પછી એકલું એ દુભાય,
તેનો ફરે નહી કોલ,
મીઠો કરે સદા કલ્લોલ..
-ભીખુભાઇ સાબલપરા